જસદણ-આટકોટ હાઇવે પર આવેલી વાડીમાં દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર વોન્ટેડ શખસે હુમલો કરતાં ફાયરિંગ

અમદાવાદ: હત્યાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક સમયથી પોલીસને હાથતાળી આપી ભાગતા ફરતા એક માથાભારે ગુનેગારને પોલીસ ટીમ જસદણ-આટકોટ વચ્ચે આવેલી એક વાડીમાં પકડવા ગઇ ત્યારે વોન્ટેડ ગુનેગાર અને તેના સાગરિતોએ ધારિયા, હોકી અને લાકડી જેવા હથિયારોથી પોલીસ ટીમ પર હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના કોઇ ગંભીર વળાંક લે તે પહેલાં પીએસઆઇએ ફાયરિંગ કરી વોન્ટેડ આરોપીના પગમાં ગોળી મારી તેને આબાદ ઝડપી લીધો હતો. જોકે તેના તમામ સાગરિતો રાત્રીના અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે, જસદણ પંથકમાં અગાઉ બનેલા ખૂનના બનાવમાં સંડોવાયેલો વિજય નામનો શખસ છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો. આ શખસને પકડી પાડવા પોલીસે અથાગ પ્રયાસો કર્યા હતા પરંતુ તે હાથમાં આવ્યો ન હતો. ગઇ રાત્રે જસદણ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે માથાભારે વોન્ટેડ ગુનેગાર વિજય આટકોટ અને જસદણ વચ્ચે આવેલી એક વાડીમાં તેના સાગરિતો સાથે છુપાયો છે.

આ બાતમીના આધારે પીએસઆઇ વાય.જે. રાણા પોલીસ ટીમ સાથે વહેલી સવારે આશરે ૪-૦૦ વાગ્યાના સુુમારે ઉપરોક્ત સ્થળે આવેલી વાડી પર દરોડો પાડતા વોન્ટેડ વિજય અને તેના સાગરિતોએ પોલીસ ટીમ પર જોરદાર પથ્થરમારો કરતા પોલીસના વાહનોને નુકસાન થયું હતું.

ત્યારબાદ ધારિયા, લાકડી જેવા હથિયારોથી પોલીસ પર હુમલો કરતા પીએસઆઇ રાણા અને એએસઆઇ ભરતભાઇને ઇજાઓ પહોંચી હતી. પરિસ્થિતિ કોઇ ગંભીર વળાંક લે તે પહેલાં પીએસઆઇ રાણાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બેથી ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી ગોળી આરોપી વિજયના પગમાં મારી તેને પાડી દઇ આબાદ ઝડપી લીધો હતો. જ્યારે તેના તમામ સાગરિતો નાસી છૂટ્યા હતા. પોલીસે ગોળીબારમાં ઘવાયેલા વિજયને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો છે. આ ઘટનાના પગલે સમગ્ર પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like