અમદાવાદના પૂર્વ વિસ્તારમાં  અસામાજિક તત્વોને ડામવામાં પોલીસ નિષ્ફળ

અમદાવાદ: શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં પશ્ચિમ કરતાં પૂર્વ વિસ્તારને નબળો ગણવામાં આવે છે. પૂર્વમાં આવેલા કેટલાક વિસ્તારમાં પોલીસ અસામાજિક તત્ત્વોને ડામવામાં નિષ્ફળ રહી છે. બાપુનગર વિસ્તારમાં આવેલી પીકર્સની ચાલી અને તેની આસપાસના વિસ્તારમાંથી નીકળવું હવે ભયજનક બની ગયું છે. દિવસે તો ઠીક હવે રાતના ૧૧ વાગ્યા પછી પણ ત્યાંથી વાહન લઈને નીકળવું મુશ્કેલ બની ગયું છે.

બાપુનગર સિટી ગોલ્ડથી બાપુનગર સ્મશાન, શ્યામ‌િશખર ચાર રસ્તા તરફ જતા લોકો હવે રાતે અથવા દિવસે જતાં ભય અનુભવી રહ્યા છે, કારણ કે પીકર્સની ચાલી અને આસપાસમાં આવેલી ચાલીમાં રહેતાં કેટલાંક અસામાજિક તત્ત્વો રોડ પરથી પસાર થતા લોકોને રોકી છરી બતાવી ધમકાવી લૂંટી લે છે.

બાપુનગર, નિકોલ, સરસપુર તેમજ ઠક્કરબાપાનગર તરફ રહેતા લોકો કાલુપુરથી બાપુનગર જવા માટે સરસપુર પોટલિયા ચાર રસ્તા થઈ પીકર્સની ચાલી પાસેથી બાપુનગર શ્યામ‌િશખર તરફ જાય છે. આ રસ્તો હવે ૨૪ કલાક માટે ભયજનક બની ગયો છે, કારણ કે ત્યાંથી પસાર થતા લોકોને ડરાવી- ધમકાવી લૂંટી લેવામાં આવે છે.

બાપુનગર વિસ્તારમાં રહેતા લોકો રાતે ત્યાંથી જતાં ખૂબ જ ડર અનુભવે છે. કોઈ પણ એકલદોકલ વ્યક્તિ ત્યાંથી વાહન લઈને નીકળે તો પીકર્સની ચાલી અને તેની આસપાસમાં રહેતા કેટલાંક અસામાજિક તત્ત્વો વાહનચાલકને રોકી છરી બતાવી તેની પાસેથી લૂંટ ચલાવે છે. ડરાવી- ધમકાવી માર મારે છે. દસ દિવસ અગાઉ બપોરે એક યુવક સાઈકલ લઈ ત્યાંથી પસાર થતો હતો ત્યારે પીકર્સની ચાલીમાં રહેતા બે યુવકોએ સાઈકલચાલકને રોકી છરી બતાવી તેની પાસેથી મોબાઈલ ફોનની લૂંટ કરી હતી. આ બનાવના પહેલાં પણ એક વ્યક્તિને રોકી લૂંટી લેવાઇ હતી.

આવા અનેક બનાવોને લઈ બાપુનગર વિસ્તારમાં રહેતા લોકો અને ખાસ કરીને વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. મોડી રાતે હવે ત્યાંથી નીકળવાનું લોકો ટાળે છે. બાપુનગર હાઉસિંગ બોર્ડની પાછળ તે જ રોડ પર સિટી ગોલ્ડ સિનેમા આવેલી છે, મોડી રાતે શો છૂટ્યા બાદ પણ લોકો તે રસ્તે જવાની જગ્યાએ હાઉસિંગ બોર્ડમાં થઇ બાપુનગર તરફ જાય છે.

શહેરકોટડા પોલીસ આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં સફળ છે, પરંતુ આવાં અસામાજિક તત્ત્વોના કારણે પોલીસ નિષ્ફળ સાબિત થતી જણાય છે. કોઈ પણ બનાવ બને છે ત્યારે શહેરકોટડા પોલીસ તાત્કાલિક આવા ગુનેગારોને ઝડપી જેલ હવાલે કરે છે પરંતુ આવા અસામાજિક તત્ત્વોને પાઠ ભણાવવામાં ઊણી ઊતરી છે. પીકર્સની ચાલી પાસે ર૪ કલાક પોલીસ પોઇન્ટ રહે તેવી લોકોમાં માગ ઊઠી છે, જેથી ત્યાંથી પસાર થવામાં લોકોને ડર ન લાગે.

શહેર કોટડા પીઆઇ એસ.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે આવા બનાવો બાબતે તપાસ કરાવી લઉં છું,જોકે આ વિસ્તારોમાં બનાવો ઓછા બને છે.

You might also like