હૈદ્રાબાદ યૂનિવર્સિટીમાં કુલપતિનો વિરોધ, 20 વિદ્યાર્થીઓની ધરપકડ

હૈદ્વાબાદ: હૈદ્વાબાદ સેંટ્રલ યૂનિવર્સિટીમાં હંગામા બાદ પોલીસે 20 પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાના મામલે મંગળવારે યૂનિવર્સિટીમાં ફરી એકવાર તણાવ વધી ગયો હતો. બે મહિનાની રજા બાદ કુલપતિ પી. અપ્પા રાવની વાપસી પર વેમુલાના સાથી વિદ્યાર્થીઓએ તેમનો જોરદાર વિરોધ કર્યો.

ઘણા વિદ્યાર્થી સંગઠનોએ મળીને સામાજિક ન્યાય માટે સંયુક્ત કાર્યવાહી સમિતિ બનાવીને રોહિત વેમુલા સહિત પાંચ દલિત વિદ્યાર્થીઓના સસ્પેંશન માટે કુલપતિ પી. અપ્પા રાવ, કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી, સ્મૃતિ ઇરાની, બંડારૂ દત્તાત્રેય અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કેટલાક નેતાઓને દોષી ગણાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ કુલપતિ પર વેમુલાને આત્મહત્યા માટે તેને ઉશ્કેરવાનો આરોપ લગાવતાં તેમના આવાસ અને ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી. તે બધાએ કુલપતિને છ કલાક સુધી બંધક બનાવી રાખ્યા. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. તેમના હુમલાના લીધે કેટલાક મીડિયાકર્મીઓને ઇજા પહોંચી છે. હંગામામાં એક મહિલા પ્રોફેસરને પણ ઇજા પહોંચી છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

પ્રદર્શનકારીઓના હુમલા પહેલાં કુલપતિ મીડિયા સાથે વાત કરવાના હતા. લાંબી રજા બાદ મંગળવારે જ તેમણે કાર્યભાર ગ્રહણ કર્યો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે રાવની વાપસી કેન્દ્ર સરકારનું તાનાશાહ વલણ છે. તેમને સસ્પેંડ કરવા જોઇએ. વેમુલાની આત્મહત્યા બાદ શરૂ થયેલા હંગામા દરમિયાન કુલપતિ અપ્પા રાવ 24 જાન્યુઆરીથી રજા પર જતા રહ્યાં હતા.

You might also like