સીતાપુરમાં યુપી પોલીસનું વધુ એક એન્કાઉન્ટરઃ અપરાધીને ઠાર માર્યો

સીતાપુર, ગુરુવાર
ઉત્તર પ્રદેશ પોલીસ ફુલ એક્શન મોડમાં છે. ઉત્તર પ્રદેશ પોલીસ અપરાધીઓ પર સતત ગોળીઓ વરસાવી રહી છે અને એક પછી એક એન્કાઉન્ટરો સમાચારોની હેડલાઈન્સમાં ચમકી રહ્યા છે.

વિપક્ષો આ એન્કાઉન્ટર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. સીતાપુરમાં વધુ એક એન્કાઉન્ટરમાં પોલીસે એક અપરાધીને ઠાર માર્યો છે. સીતાપુરમાં મોટરસાઈકલ ચોરીને ભાગી રહેલા એક અપરાધીને પોલીસે ગોળી મારતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. ઠાર મરાયેલ અપરાધીની ઓળખ હજુ બાકી છે.

પોલીસે ચોરી કરેલી બાઈક પિસ્તોલ અને કારતૂસો પ્રાપ્ત કર્યાં છે. આ પોલીસ એન્કાઉન્ટર હરિહરપુર ગામની નજીક થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હરગાંવના જયપાલ મૌર્યએ હરગાંવ પોલીસસ્ટેશન પર બાઈક અને રોકડ રકમની લૂંટની જાણ કરી હતી.

ત્યાર બાદ આસપાસના પોલીસ સ્ટેશનો દ્વારા વાહનનું ચેકિંગ થઈ રહ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન એક બાઈક પર સવાર બે શકમંદ લોકોને પોલીસે જ્યારે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

પોલીસે કરેલા વળતા ગોળીબારમાં એક અપરાધી ગોળી લાગવાથી ઘાયલ થયો હતો અને તેનો સાગરિત ભાગવામાં સફળ રહ્યો હતો. ઘાયલ અપરાધીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ અગાઉ નોઈડામાં યુપી પોલીસનું નકલી એન્કાઉન્ટર સામે આવ્યું હતું. જેમાં કોન્સ્ટેબલે બે યુવાનોને ગોળી મારી હતી. જેને લઈને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ એસએસપી લવકુમારે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને તેની સર્વિસ રિવોલ્વર જપ્ત કરી લીધી હતી અને આ મામલામાં અન્ય ત્રણ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસે રાજ્યસભામાં આ મામલો ઉઠાવીને ભારે હંગામો મચાવ્યો હતો.

You might also like