પોલીસકર્મીને મકાન, સંતાનનાં શિક્ષણ માટે રૂ.પાંચ લાખ સુધીની લોન મળશે

અમદાવાદ: શહેરના અનેક વિસ્તારોમાં મોટી મોટી રહેણાક સ્કિમ બની છે પરંતુ તેના ભાવ આસમાનને આંબી જાય તેવા છે. આ બજાર કિંમતમાં પોલીસ કર્મચારીઓ પોતાનું ઘરનું ઘર ખરીદી શકવાની ક્ષમતા ધરાવતા નથી. મકાન લેવા અથવા બનાવવા પોલીસ કર્મચારીઓ અન્ય નાણાકીય સંસ્થા અથવા વ્યક્તિ પાસે વ્યાજે લોન લઇ અને વ્યાજના ચુંગાલમાં ન ફસાય તે માટે શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘે પરિપત્ર બહાર પાડી છે કે કોઇ પણ પોલીસ કર્મચારી પોલીસ કો.ઓપરેટિવ સોસાયટીમાંથી ઓછા વ્યાજના દરે રૂ.પાંચ લાખ સુધીની લોન મેળવી શકશે. શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ હાલમાં પોલીસ ક્વાર્ટર્સમાં રહે છે.

પરંતુ તમામ પોલીસ કર્મચારીઓને ક્વાર્ટર્સ નથી ફાળવવામાં આવતાં. કર્મચારી નિવૃત્ત થાય ત્યારે વધુ સમય સરકારી ક્વાર્ટર્સમાં રહેવા માટે અરજી કરે છે. પરંતુ છ માસથી વધુ તેઓને ક્વાર્ટર્સ ફાળવી શકાતું નથી. હાલના સમયમાં મકાનના ભાવોને જોતા પોલીસકર્મીઓ પોતાનું ઘરનું ઘર ખરીદી શકતા નથી. તેમજ ક્વાર્ટર્સ ન મળતાં અનેક મુશ્કેલીઓનો તેમના પરિવારને સામનો કરવો પડે છે.

જેને લઇ પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડી પોલીસકર્મીઓ મકાન ખરીદી શકે, તેમનાં સંતાનોને ઊચ્ચ અભ્યાસ કરી શકે તે માટે તેમજ કોઇ આકસ્મિક જરૂરિયાત માટે પોલીસ કો.ઓપરેટિવ સોસાયટીમાંથી રૂ.પાંચ લાખ સુધીની લોન મેળવી શકશે. ઓછા વ્યાજના દરે તેઓને લોન આપવામાં આવશે. રૂ.૧.પ૦ લાખ ઉપર વ્યાજ પેટે પાંચ ટકા લેખેની રકમ પોલીસ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ચૂકવશે.

મકાન ખરીદવા માટે પોલીસ કર્મચારીઓ નાણાકીય સંસ્થાઓ અને અન્ય વ્યક્તિ પાસે ઊંચા વ્યાજે લોન મેળવે છે અને વ્યાજની ચુંગાલમાં ફસાઇ જાય છે. જેથી પોલીસ કમિશનરે આ પરિપત્ર જાહેર કરી પોલીસકર્મીઓને પોલીસ વેલ્ફેર ફંડમાંથી પૈસા મેળવી શકે તેવો હુકમ કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like