ગોરખપુર મહોત્સવમાં પોલીસે ભીડ પર કર્યો લાઠીચાર્જ, સ્ટેજ પર હતા ભોજપુરી કલાકારો

ઉત્તરપ્રદેશમાં ગોરખપુર મહોત્સવ યોજવામાં આવ્યો, ત્યારથી જ ચર્ચામાં છે. એવામાં ફરીથી ત્યાં લાઠીચાર્જની ઘટના બનતા ફરીથી મહોત્સવ ચર્ચામાં આવી ગયો છે. ગોરખપુર મહોત્સવમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ રીતે બેફામ બની જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આ મહોત્સવ થયેલ હોબાળા બાદ લોકોને કાબૂમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જો કે એક સ્થાનિક દ્વારા લાઠીચાર્જનો વીડિયો મોબાઈલ દ્વારા ઉતારવામાં આવ્યો હતો. તે હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે માલિની અવસ્થી અને રવિ કિશન પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવોની હાજરીમાં કોઇ પ્રેક્ષક દ્વારા અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી.

જેના બાદ ઘર્ષણ વધ્યું હતું અને ભીડ બેકાબૂ બની ગઈ હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જો કે હાલમાં આ વીડિયો વાયરલ થતા આગળ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ગોરખપુર મહોત્સવનો આજે શનિવારે સમાપન સમારોહ દિવસ હતો. બે દિવસ આયોજન વ્યવસ્થિત ચાલ્યું હતું, પરંતુ શુક્રવારે રાત્રે એક કાર્યક્રમમાં દરમ્યાન પોલીસ લાઠીચાર્જની ઘટના બની હતી.

You might also like