રફીક શેખ લોકઅપમાં હતો તે રાત્રે સીસીટીવી કેમેરા બંધ હતા

અમદાવાદ: શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં મંગળવારની રાતે રફીક શેખ નામના આરોપીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરવાના ચકચારી કિસ્સાની તપાસ જે ડિવિઝનના એસીપીને સોંપાઇ છે. રફીકે આપઘાત કર્યો તે રાત્રીએ લોકઅપ સહિત પોલીસ સ્ટેશનમાં લગાવેલા 5 સીસીટીવી કેમેરા બંધ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

લીસની બેદરકારીથી રફીકે લોકઅપમાં આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આરોપ કર્યો છે ત્યારે પોલીસનું માનવું છેકે રફીકે 14 વર્ષની દીકરી સાથે કરેલી બીભસ્ત માગણીની જાણ સમાજમાં થઇ જવાના ડરે તેને આપઘાત કરી લીધો છે.
શાહઆલમ વિસ્તારના નવાબનગરનાં છાપરાંમાં રહેતા અને પેડલ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા રફીક અબ્દુલરઝાક શેખ 14 વર્ષની દીકરી પાસે બીભસ્ત માગણીઓ કરતો હોવાની જાણ થતાં રફીક અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. રફીકની હમીદાબીબીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ઘટના અંગે જાણ કરી હતી.

ઇસનપુર પોલીસ રફીકની ધરપકડ કરી હતી સમાજમાં પરિવારની ઇજ્જત ના જાય તે માટે હમીદાબીબીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી નહીં જોકે પોલીસે તેના સીઆરપીસી 151 મુજબ અટકાયતી પગલાં ભરીને લોકઅપમાં પૂરી દીધો હતો.

મંગળવારની રાતે લોકઅપમાં ઠંડી લગાતી હોવાના કારણે પીએસઓ રમેશભાઇ જ્ઞાનસિંગે તેને ચાદર આપી હતી. થોડાક સમય પછી રફીક ચાદરને બાથરૂમમાં લઇ ગયો હતો અને બાથરૂમનો દરવાજો બંધ કરીને ઓઢવાની ચાદર બારીના સળિયા સાથે બાંધીને આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે જ્યારે પીએસઓની શિફટ બદલાઇ ત્યારે પણ રફીકે આપઘાત કર્યો હોવાની જાણ ના થઇ. પીએસઓ ટેબલની સામે જ લોકઅપ આવેલું છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.પંડ્યાએ જણાવ્યું છેકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં લોકઅપ સહિત 5 સીસીટીવી કેમેરા લગાવેલા છે જેમાં ટેકનિકલ ખામીના કારણે સીસીટીવી કેમેરા બંધ ચાલુ રહેતા હોય છે મંગળવારે રાતે સીસીટીવી કેમેરા બંધ હોવાનું જાણવા મળ્યું છે. કેસની તપાસ જે ડિવિઝનના એસીપી વી.એમ.જાડેજાને સોંપાઇ છે.

વધુમાં તેમણે જણાવ્યુ છેકે રફીકનાં લગ્ન 2001માં થયાં હતાં. જેમાં તેણે ચાર દીકરીઓને જન્મ આપ્યો હતો. રફીકની છેલ્લા 4 મહિનાથી સૌથી મોટી 14 વર્ષિય દીકરી પર નજર ખરાબ કરતો અને તેની સાથે બીભસ્ત માગણીઓ કરતો હતો. ત્યારે તેની દીકરીને મોબાઇલમાં પોર્ન ફિલ્મો પણ બતાવતો હતો. મંગળવારના દિવસે રફીક અને હમીદા વચ્ચે દીકરી સાથે બીભસ્ત માગણીઓના મામલે બબાલ થઇ હતી. રફીકનો મોબાઇલ તપાસતાં તેમાં 122 પોર્ન ફિલ્મો પણ મળી આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજય સરકારે 3જી ઓક્ટોબરના રોજ હાઇકોર્ટમાં રિપોર્ટ ફાઇલ કર્યો હતો. જેમાં અમદાવાદના 45 પોલીસ સ્ટેશન સહિત રાજ્યના પોલીસ સ્ટેશનોમાં એક મહિનામાં 15 સીસીટીવી કેમેરા લગાવવાની બાંયધરી આપી હતી. ઇસનપુર પોલીસ સ્ટેશનમાં દિવાળી પહેલાં નવા સીસીટીવી કેમેરા આવી ગયા છે પંરતુ તેને ઇન્ટોલ કરવામાં આવ્યા નથી.

You might also like