મોદીને અચાનક આવ્યો ખુલ્લી જીપનો વિચાર : પોલીસે કર્યો અનોખો જુગાડ

લીમખેડા : લીમખેડાના નાની પાલ્લી ખાતેનાં હેલિપેડ પર વડાપ્રધાન માટેની બુલેટપ્રુફ અને જામર સહિતની ગાડીઓનો આખો કાફલો તૈયાર હતો. જો કે વડાપ્રધાન આવ્યાના અડધો કલાક પહેલા મેસેજ આવ્યો કે વડાપ્રધાન બંદ ગાડીમાં નહી પરંતુ ખુલ્લી જીપમાં સભા સ્થળ સુધી જવા માંગે છે. જેનાં પગલે એક પ્રાઇવેટ ખુલ્લી જીપ્સી મંગાવાઇ હતી. જો કે એસપીજીનાં ઇન્સપેક્શનમાં તે જીપ નાપાસ થઇ હતી.

હવે શું કરવું તેની અવઢવમાં મંત્રીઓથી માંડીને પોલીસ અને એસપીજી તમામ હતા. તમામને પરસેવા વળી રહ્યા હતા. ત્યારે અચાનક જ પોલીસ જીપનું પાછળનું હુડ કાઢીને તેને જ ખુલ્લી કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. જેનાં પગલે તાત્કાલીક જીપમાંથી પાના કાઢીને જીપ્સીમાંથી પાછળની સીટો કાઢી લેવાઇ હતી. જીપનું હુડ ફાડી નાખવામાં આવ્યું હતું. જ્યારે દરવાજો અને બંન્ને સીટો કાઢી લેવાતા પાછળનો આખો ભાગ ખુલ્લો થઇ ગયો હતો.

આ જીપને એનએસજીએ પણ પાસ કરી દેતા અંતેવડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રાજ્યમંત્રી જશવંત સિંહ ભાભોર લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા એક કિલોમીટર દુર આવેલા સભા સ્થળ સુધી પહોંચ્યા હતા. બધુ સમુસુતરૂ પાર પડતા કાર્યકર્તાઓથી માંડીને મંત્રીઓને હાશ થઇ હતી. ગુજરાતીઓ જુગાડ કરવામાં નંબર વન હોય છે તે ફરી એકવાર સાબિત થયું હતું.

You might also like