પીધેલા પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્રએ યુવતીની છેડતી કરી

અમદાવાદ: શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસે કોન્સ્ટેબલ અને તેના મિત્રએ ગઈ કાલે સામાન્ય અકસ્માત બાદ યુવતી સાથે બોલાચાલી કરી છેડતી કરી હતી. દારૂના નશામાં ધૂત કોન્સ્ટેબલ અને તેનો મિત્ર યુવતીની પાછળ પાછળ તેની મિત્રના ઘર સુધી પહોંચી ગયા હતા. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ દારૂ પીધેલાનો તેમજ છેડતીનો ગુનો નોંધાવામાં આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિત મુજબ બોપલની અભિષેક સોસાયટીમાં રહેતી સિમરન પટેલ નામની યુવતી બુધવારે સાંજે તેનું એક્ટિવા લઈ તેની મિત્રના ઘરે જવા નીકળી હતી. દરમિયાનમાં બિગ ડેરી ચાર રસ્તા પાસે શ્રેય વાઘેલા (રહે.બોપલ) નામનો યુવક પૂરપાટ ઝડપે બાઈક લઈ સામે આવતા સિમરને એક્ટિવા પરથી બેલેન્સ ગુમાવી દીધું હતું.

જેથી તેણે શ્રેય સાથે બોલાચાલી કરી હતી. શ્રેયે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ ચુડાસમાને ફોન કરી બોલાવ્યા હતા. નશામાં ધૂત કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ ત્યાં આવી બોલાચાલી કરી હતી. બંનેએ ગાળાગાળી કરતા સિમરન પોતાનું એક્ટિવા લઈ તેની મિત્રના ઘરે જવા નીકળી હતી. દરમિયાનમાં કોન્સ્ટેબલ અને શ્રેય પણ પાછળ પાછળ તેની મિત્રના ઘરે ગયા હતા. જેથી યુવતીએ પોલીસને જાણ કરતાં બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બોપલ પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ દારૂ પીધેલાનો તેમજ છેડતી અંગેનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા દારૂના નશામાં ધૂત થઈ અને ધમાલ મચાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ગત અઠવાડિયે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા દારૂના નશામાં ધૂત થઈ અને રામોલ વિસ્તારમાં બાઈક પર બેઠેલા યુવક પાસે રૂપિયાની માગણી કરી મારામારી કરી હતી. અગાઉ પણ આવા અનેક બનાવો બની ચૂક્યા છે ત્યારે ફરી એકવાર સેટેલાઈટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા દારૂ પી અને ધમાલ મચાવતા શહેર પોલીસની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
http://sambhaavnews.com/

You might also like