રાજાપાઠમાં ઝૂમી રહેલો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

અમદાવાદ: પોલીસ દારૂબંધીને રોકવા માટે હોય છે પરંતુ અહીં તો પોલીસ જ દારૂના નશામાં મદમસ્ત હોય તો પછી દારૂબંધી કઇ રીતે રોકી શકાય. ગઇ કાલે મોડી રાતે શાહીબાગ વિસ્તારમાં આવેલી માધુપુરા પોલીસ લાઇનમાં એક પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં ચકચુર મળી આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. શાહીબાગ પોલીસે તેની ધરપકડ કરીને તેને જામીન પર મુક્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ આહવા જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હરિસિંહ જુજાસિંગ સિસોદિયા અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા માધુપુરા પોલીસ લાઇનમાં તેના પરિવારને મળવા માટે આવ્યો હતો. ગઇ કાલે મોડી રાતે પોલીસ લાઇન પાસે આવેલા પાન પાર્લર પાસે હરિસિંહ તેના મિત્રો સાથે ઊભો હતો. ત્યારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ તથા પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.

હરિસિંહની હરકતો જોઇને શાહીબાગ પોલીસે ચોક્કસ આ દારુ પીધેલો છે તેવું માની લેતાં તેની તપાસ કરવા ગયા હતા. કોન્ટેબલ હરિસિંહની તપાસ કરતાં તેણે ચીક્કાર દારૂ પીધો હોવાનું સામે આવ્યું હતું. જેમાં શાહીબાગ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને મેડિકલ રિપોર્ટ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને પછી તેને જામીન ઉપર છોડી મૂકવામાં આવ્યો હતો. આ મુદ્દે શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.દેસાઇએ જણાવ્યું છે કે હરિસિંહ અગાઉ મારામારી તથા દારૂ પીવાના કેસમાં પકડાઇ ચુક્યો છે જેના કારણે તેની બદલી શહેર બાદ ડાંગ જિલ્લામાં કરવામાં આવી હતી.

You might also like