પાટીદાર સમાજના ૨૫થી ૩૦ લોકો સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ: પાટીદારોના ગઈ કાલે જેલ ભરો આંદોલન દરમિયાન હિંસા ભડકી ઊઠી હતી. પોલીસ દ્વારા લાઠી ચાર્જ અને પાટીદારો દ્વારા પથ્થરમારો કરાતાં ઘર્ષણ ઉભું થયું હતું. આ ઘટનાના પડઘા અમદાવાદમાં પણ પડ્યા હતા. ઘાટલોડિયા વિસ્તારમાં પાટીદાર સમાજના ૨૫થી ૩૦ લોકોએ વાઘેશ્વરી બસ સ્ટેન્ડ પર ઊભેલી બે એએમટીએસ બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે હાલ ટોળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લાલજી પટેલ સહિત ૩૭ સામે હત્યાની કોશિશ-લૂંટનો ગુનો

મહેસાણામાં જેલ ભરો આંદોલન દરમિયાન હજારો પાટીદારો ભેગા થયા હતા. પોલીસ પર પથ્થરમારો શરૂ થતાં પોલીસે પાણીનો મારો ચલાવી અને લાઠીચાર્જ કરી પાટીદારોને વિખેર્યા હતા આ ઘટનામાં એસપીજીના પ્રમુખ લાલજી પટેલને ઈજાઓ થતાં આંદોલનકારીઓ વિફર્યા હતા અને પોલીસ-પાટીદારો સામસામે આવી ગયા હતા. ઘટનાને લઈ રાજ્યભરમાં પડઘા પડવાનું શરૂ થયું હતું.

રાજ્યમાં ર૦૦થી વધુ પાટીદારો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ઘાટલોડિયાના વાઘેશ્વરી બસ સ્ટેન્ડ નજીક કેટલાક શખસોએ ૬૪/૩ અને ૧૪૭/૨ નંબરની એએમટીએસ બસસ્ટેન્ડ પર પથ્થરમારો કરી કાચ તોડી ફરાર થઈ ગયા હતા. વધુ હિંસા ન વકરે તે માટે ઘાટલોડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આ અંગે એએમટીએસ બસના ચાલકે પાટીદાર સમાજના ૨૫થી ૩૦ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તેઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like