પોલીસકર્મી પર જમાઇ અને તેના ભાઇએ હુમલો કર્યો

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં પોલીસકર્મી પર એસઆરપીમાં કૂક તરીકે ફરજ બજાવતા જમાઇ અને તેના ભાઇએ હુમલો કર્યો છે. દોઢ વર્ષથી ચાલતા પતિ પત્નીના ઝગડામાં પત્નીને નહીં મળવા દેતા પિતાને મૂઢ માર મારવામાં આવ્યો હતો.

નવા નરોડા સૂરજ પાર્ક સોસાયટીમાં રહેતા મનુભાઇ ધનાભાઇ ચાવડા શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ઓ કંપનીમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2005માં મનુભાઇની પુત્રી નિકિતાનાં લગ્ન એસઆરપીમાં કૂક તરીકે નોકરી કરતા પ્રવીણ દેવજીભાઇ ચાવડા (રહે શ્રદ્ધા સોસાયટી નરોડા) સાથે થયાં હતાં. છેલ્લાં દોઢ વર્ષ પહેલાં નિકિતા પુત્ર જૈમિન સાથે પિયરમાં રહેવા માટે આવી ગઇ હતી અને નરોડા જીઆઇડીસીમાં રિલાયન્સ કંપનીમાં નોકરી કરે છે. તારીખ 10-04-2017 ના રોજ નિકિતા સવારે નોકરી પર જઇ રહી હતી તે સમયે પ્રવીણ તેની પાછળ પાછળ તેની કંપની સુધી ગયો હતો. જે બાબતે નિકિતાએ ઘરમાં આવીને તેનાં માતા પિતાને જણાવ્યું હતું.

પુત્રી નિકિતાની વાત સાંભળીને મનુભાઇ પડોશમાં રહેતા કાંતિભાઇ વાધેલાને લઇને અમૃતભાઇને મળવા માટે ગયા હતા જ્યાં પ્રવીણભાઇ હાજર હતા. પ્રવીણે સસરા મનુભાઇને જણાવેલ કે મારે નિકિતા સાથે વાત કરવી છે જેથી મનુભાઇએ વડીલોને લઇને આવવાનું કહ્યુ હતું. ગઇ કાલે મનુભાઇ તેમના ભાઇ કાંતિભાઇ જે પ્રવીણના પડોશમાં રહે છે તેમને મળવા માટે ગયા હતા. તે સમયે શ્રદ્ધા સોસાયટીના ગેટ પાસે પ્રવીણ અને તેનો નાનો ભાઇ પ્રહ્લાદ સાથે ઊભા હતા. મનુભાઇને જોતાંની સાથે જ પ્રહ્લાદ તેમની પાસે પહોંચી ગયો હતો અને બિભસ્ત ગાળો બોલીને મનુભાઇ પર હુમલો શરૂ કરી દીધો હતો.

પ્રહ્લાદે મનુભાઇને રોડ પર પટકીને મોં પર ફેંટો મારી અને પથ્થર ઉઠાવીને માર્યો હતો. મારામારી જોઇ રહેલ પ્રવીણ તાત્કલીક દોડીને આવ્યો હતો અને મનુભાઇ સહિત આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત મનુભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નરોડા પોલીસ મનુભાઇના જમાઇ પ્રવીણ અને તેના ભાઇ પ્રહ્લાદ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like