તિસ્તા સેતલવાડે ડોનેશનના રૂપિયા ૩.૮૫ કરોડ ચાઉં કર્યા

નવી દિલ્હી: સામાજિક કર્મશીલ તિસ્તા સેતલવાડ અને તેમના પતિએ ૨૦૦૨ના રમખાણગ્રસ્તોની મદદ માટે પોતાના એનજીઓને મળેલા રૂ. ૯.૭૫ કરોડમાંથી રૂ. ૩.૮૫ કરોડ પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચ્યા હતા. ગુજરાત પોલીસે સુપ્રીમ કોર્ટમાં આવો દાવો કરીને જણાવ્યું છે કે તેની પાસે આ અંગે દસ્તાવેજી પુરાવા છે. પોતાની ૨૩ પાનાંની એફિડેવિટમાં એસીપી રાહુલ પટેલે કોર્ટને વિગતવાર જણાવ્યું હતું કે તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદની સાથે-સાથે તેમનાં ટ્રસ્ટો-સેન્ટર ફોર જ‌િસ્ટસ એન્ડ પીસ (સીજેપી) અને સબરંગે ફરિયાદોની તપાસ માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં બિલકુલ મદદ કરી નથી.

ગુજરાત પોલીસે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું છે કે ૨૦૦૭થી ૨૦૧૪ દરમિયાન તિસ્તા સેતલવાડ અને તેમના પતિની સાથે-સાથે સીજેપી, સબરંગના બેન્ક ખાતાંઓની તપાસ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બંને એનજીઓને આ દરમિયાન દેશ-વિદેશથી કુલ રૂ. ૯.૭૫ કરોડ દાનમાં મળ્યા હતા. પોલીસનો દાવો છે કે તિસ્તા સેતલવાડ અને તેમના પતિએ દાનની આ રકમમાંથી રૂ. ૩.૮૫ કરોડનો ઉપયોગ પોતાના અંગત અને વ્યક્તિગત ખર્ચ માટે કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ૧ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ બંનેએ યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાની મુંબઈ શાખામાં બે એકાઉન્ટ્સ ખોલાવ્યાં હતાં, જેમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૦૨ સુધી રૂપિયા જમા કરાવવામાં આવ્યા ન હતા, પરંતુ જાન્યુઆરી-૨૦૦૩થી લઈને ડિસેમ્બર-૨૦૧૩ વચ્ચે જાવેદ આનંદે પોતાના ખાતામાં રૂ. ૯૬.૪૩ લાખ અને તિસ્તા સેતલવાડે પોતાના ખાતામાં રૂ. ૧.૫૩ કરોડ જમા કરાવ્યા હતા.

પોલીસનો આક્ષેપ છે કે ફેબ્રુઆરી-૨૦૧૧થી જુલાઈ-૨૦૧૨ દરમિયાન માનવસંસાધન વિકાસ મંત્રાલયે રૂ. ૧.૪૦ કરોડનું ફંડ આપ્યું હતું. તિસ્તા સેતલવાડ અને જાવેદ આનંદે આમાંથી પણ રૂપિયા ઉપાડીને વ્યક્તિગત ખર્ચ માટે તેનો ઉપયોગ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેને સીજેપી અને સબરંગના માત્ર ત્રણ જ ખાતાંની જાણકારી મળી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ૨૩ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ જેવાં આ ત્રણ ખાતાં જપ્ત કરવામાં આવ્યાં કે તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદે તુરંત સબરંગ ટ્રસ્ટના અન્ય બે ખાતાંમાંથી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા એક જ િદવસમાં રૂ. ૨૪.૫૦ લાખ અને રૂ. ૧૧.૫૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ બંને એકાઉન્ટ્સની જાણકારી તપાસકર્તાઓને ન હતી.

પોલીસે એવો પણ આક્ષેપ કર્યો છે કે બંને સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટમાં એ વાત છુપાવી છે કે બેન્ક ખાતા સીઝ કરાયા બાદ બંનેએ બીજી બેન્કમાં સબરંગ ટ્રસ્ટ જર્નલ એકાઉન્ટ અને સબરંગ ટ્રસ્ટ એચઆરડી એકાઉન્ટના નામથી અલગ અલગ ખાતાં ખોલાવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like