પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આંકલાવ પાસેથી લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો

અમદાવાદ, ગુરુવાર
આંકલાવ નજીક કિંખલોડ-ચમારા ચોકડી પાસેથી ભાદરણ પોલીસે ફિલ્મીઢબે પીછો કરી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લઇ સઘન તપાસ શરૂ કરી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓને એવી બાતમી મળી હતી કે પંજાબ પાસિંગની વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક બોરસદ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે પીપળી પાસે વોચ ગોઠવી હતી.

દરમ્યાનમાં મોડી રાત્રે એક ટ્રક પુરઝડપે પસાર થતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે ટ્રક પુરઝડપે હંકારતા પોલીસ અધિકારીએ જીપમાં ટ્રકની ફિલ્મીઢબે પીછો કરી ટ્રકને આંકલાવ નજીક કિંખલોડ-ચમારા ચોકડી પાસેથી આંતરી ઝડપી લીધી હતી.

પોલીસે ટ્રકની તાડપત્રી ખોલી તલાશી લેતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ભરેલી ૭૮ર પેટી મળી આવી હતી. જેની કિંમત આશરે રૂ.પપ લાખ જેટલી થાય છે. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક મળી આશરે ૬પ લાખની ‌કિંમતનો મુદ્દામાલ કબજે કરી ચરણજીતસિંહ જાટ અને કંવરજીતસિંહ જાટ નામના બે શખસોની ધરપકડ કરી છે.

આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના દેત્રોજ નજીક આવેલા સદાબપુરા ગામની સીમમાં બ્રહ્માણી ઇંટોના ભઠ્ઠા પાછળ દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે પોલીસે રૂ.૧પ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે પોલીસના આ દરોડા દરમ્યાન ત્રણેય બુટલેગરો નાસી છૂટતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.

You might also like