ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે. તસ્કરોને જ્યાં મોકો મળે ત્યાં હાથ સાફ કરી દેતા હોય છે પછી તે ઘરફોડ ચોરી હોય કે પછી કારના કાચ તોડીને કિમતી સરસામાનની ચોરી કેમ ના હોય. ચોરી કરતી ચીખલીકર ગેંગ, ચડ્ડી બનિયાનધારી ગેંગ જેવી અનેક સભ્યોની ગેંગના સભ્યને પોલીસ મુદ્દામાલ સાથે ધરપકડ કરે છે. તેમ છતાંય ચોરીના બનાવો ઘટનાની જગ્યાએ વધી રહ્યા છે. શહેરમાં ૪૮ કલાક પહેલા ૧૫ ચોરીની ઘટના ઘટી હતી. જેમાં ૨૩ લાખ રૂપિયા તસ્કરો લઇ ગયા હતા જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ચોરીની ઘટના ઘટી છે જેમાં પણ લાખો રૂપિયાની ચોરી થઇ છે.

ગુરુકુળ રોડ પર આવેલ સારથિ રો હાઉસીસ પાર્ટ-૧ માં રહેતા અને એલિસબ્રિજ ખાતે ઓર્થોપેડિક ક્લિનિક ધરાવતા ડો.પાર્થભાઇ પારેખે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઘરઘાટી વિરુદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. પાર્થભાઇની પત્નિી સિવિલ એન્જિનિયર છે અને તેમનાં માતા પિતા પણ ડોક્ટર છે. વર્ષ ૨૦૧૭માં પાર્થભાઇએ તેમના ઘરના કામકાજ માટે પ્રકાશ લબાના નામના રાજસ્થાની યુવકને ઘરઘાટી તરીકે રાખ્યો હતો. પાર્થભાઇએ બે દિવસ પહેલાં દર્દીની સારવાર તેમજ ઓપરેશનની ૨૦ હજાર રૂપિયા ફી લાવીને તેમના ઘરે કબાટમાં મૂકી હતી. કબાટમાં ૧.૩૪ લાખ રૂપિયા રોક્ડ તેમજ સોના ચાંદીના દાગીના પાર્થભાઇ મુક્યા હતા. ઘરઘાટી પ્રકાશને ઘરના તમામ સભ્યોની એક્ટિવિટી તેમજ કઇ વસ્તુ ક્યાં છે તેની તમામ જાણકારી હતી.

ગઇ કાલે પાર્થભાઇ ઘરે આવ્યા ત્યારે પ્રકાશ ઘરમાં હતો નહીં તેનાે સામાન પણ ગાયબ હતો અને મોબાઇલ પણ સ્વીચઓફ આવતો હતો. પાર્થભાઇને શંકા જતા તેમને તરત જ તેમનું કબાટ ચેક કર્યું હતું. પ્રકાશ કબાટમાંથી ૧.૩૪લાખ રૂપિયા રોક્ડ, સોનાના દાગીના મોબાઇલ ફોન અને ઘડિયાળ લઇને જતો રહ્યો હતો. પાર્થભાઇએ તરત જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી.

જેમાં પોલીસે ઘરઘાટી પ્રકાશ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ પાલડીના દેવન એપાર્ટમેન્ટમાં રહેતા અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના વકીલ નિધિ જૈનીપભાઇ દલાલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. સોમવારની રાત્રે નિધિ તેમના પતિ જૈનીપ અને મિત્ર કૌશલ મહેતા નવરંગપુરા ખાતે કેફે કોફી ડે માં કોફી પીવા માટે કાર લઇને આવ્યા હતા.

દરમિયાનમાં અજાણ્યા શખ્સોએ નિધિની કારનો કાચ તોડીને તેમાંથી લેડીસ પર્સની ચોરી કરી હતી. પર્સમાં પોણા બે તોલાની સોનાની ચેઇન, દસ ગ્રામની સોનાની ચેઇન, ૭૦ હજાર રોક્ડ, આઇફોન તેમજ ક્રેડિટકાર્ડ ડેબિટકાર્ડ હતાં. નિધિએ આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોર ટોળકી વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નારણપુરા વિસ્તારમાં આવેલ ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતા અને રતનપોળમાં ડ્રેસ મટીરિયલની દુકાન ધરાવતા કેતનભાઇ મોદીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ગઇ કાલે મોડી રાતે તસ્કરોએ રતનપોળની બે દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં કુલ ૨.૩૩ લાખ રૂપિયા રોક્ડ લઇને જતા રહ્યા છે. કેતનભાઇ મોદી દુકાન બંધ કરીને સોમવારની મોડી રાત્રે ઘરે ગયા હતા. ગઇ કાલે સવારે તેઓ દુકાન આવ્યા ત્યારે શટર ખુલ્લું જોયું હતું. દુકાનમાં કેતનભાઇએ ૨.૨૫ લાખ રુપિયા રોક્ડ મુક્યા હતા. જે ગાયબ હતા. કેતનભાઇની બાજુમાં આવેલી એક દુકાનનું પણ શટર ખુલ્લુ હતું જેમાં તસ્કરોએ આઠ હજાર રૂપિયા ચોરી લીધા હતા. કાલુપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નવા વાડજમાં રહેતા અને મેટ્રો પ્રોજેક્ટમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા મનોજકુમાર રાજપૂતે પણ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ગઇ કાલે સવારે સરદાર પટેલના બાવલા પાસે મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલુ હતું ત્યારે બે અજાણ્યા શખ્સે લોખંડના સળિયાની ચોરી કરી હતી.

મનોજકુમાર સમયસર સરદારપટેલના બાવલા પાસે જઇને મુન્નીબહેન રોહિત અને જીતુભાઇ દેવીપૂજકને લોખંડના સળિયાની ચોરી કરતા રંગે હાથ પકડી પાડ્યા હતા. નારણપુરા પોલીસે આ મામલે બન્ને જણાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. વાસણામાં આવેલા આશિષ ફ્લેટમાં પણ તસ્કરોએ બંધ મકાનનું તાળુ તોડીને દોઢેક લાખ રૂપિયાના મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા છે. ફ્લેટમાં રહેતા શર્મિષ્ઠાબહેન અને તેમના પતિ ઘરનું તાળું મારીને બહાર ગયા હતા ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like