સુરત પોલીસની દબંગાઇ : આવારા તત્વોને બોનેટ પર ઉંધાડી ફટકાર્યા

સુરત : સુરતનાં લિબાયત વિસ્તારમાં લુખ્ખા તત્વોનાં વધી રહેલા ત્રાસનાં પગલે પોલીસ દબંગ સ્ટાઇલ પર ઉતરી આવી હતી. થોડા દિવસો અગાઉ લિબાયત વિસ્તારમાં મારામારી અને છોડતીમાં સંડોવાયેલા બે આરોપીઓને જાહેરમાં જ પકડીને પોલીસે ફટકાર્યા હતા. પોલીસે કારનાં બોનેટ પર ઉંધા ઉંધાડીને રોમિયોનો પ્રેમ ડંડે ડંડે ઉતાર્યો હતો. જો કે આ વીડિયોને એક સ્થાનિક વ્યક્તિએ કચકડે કંડારીને ઓનલાઇન મુકતા આ વીડિયો વાઇરલ થઇ ગયો હતો. હાલ તો પોલીસનાં આ પગલા અંગે મિશ્ર પ્રતિસાદો મળી રહ્યા છે. જો કે મોટા ભાગે પોલીસનું આ પગલું યોગ્ય હોવાનું સ્થાનીકો કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતાનુસાર લિબાયતનાં મીઠીખાડી વિસ્તારમાં આવેલા ઇસ્લામી ચોક ખાતે પોલીસે બે વ્યક્તિને જીપનાં બોનેટ પર ઉંધાડીને માર્યા હતા. પોલીસનો દાવો છે કે આ બંન્ને ઘણા ગુનાઓમાં વોન્ટેડ હતા. સ્થાનિક લોકોનાં અનુસાર આ બંન્ને વ્યક્તિની વિસ્તારમાં ખુબ જ રંજાડ હતી. તે લોકોને જાણે કોઇનો ભય ના હોય તે રીતે વિસ્તારમાં આતંક ફેલાવતા હતા. જેનાં કારણે પોલીસે કરેલી દબંગગીરીને લોકોએ યોગ્ય લેખાવી હતી. પોલીસનાં આ પગલાને લોકોએ બિરદાવ્યું હતું.

You might also like