પોલીસ આજે પણ બંદોબસ્તમાં વ્યસ્ત રહેશે

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રા ગઇ કાલે કોમી એખલાસ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આજે રમજાન ઇદનો તહેવાર હોઇ આજે પણ શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તહેવારના કારણે પોલીસ આજે સવારથી જ સ્ટેન્ડ-ટુ છે. તમામ પોલીસકર્મીઓને પોતાના પોઇન્ટ પર હાજર રહેવા જણાવાયું છે.

ગત વર્ષે રથયાત્રા અને રમજાન ઇદનો તહેવાર એક જ દિવસે આવ્યો હોવાથી પોલીસને માત્ર એક જ દિવસ બંદોબસ્ત જાળવવો પડ્યો હતો, પરંતુ આ વર્ષે મંગળવારે ચાંદ ન દેખાતાં ગુરુવારે ઇદના તહેવારની ઉજવણીની જાહેરાત કરાઇ હતી, જેના પગલે આજે રમજાન ઇદના તહેવારની ઉજવણી કરાઇ રહી છે. ગઇ કાલે રાજ્યનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત રથયાત્રામાં રખાયો હતો અને આજે ઇદ હોઇ પોલીસ અાજે પણ બંદોબસ્તમાં વ્યસ્ત છે.

તહેવાર આગળ-પાછળ થયા હોવાથી પોલીસની હાલત કફોડી બની છે. હાલમાં શહેરના સંવેદનશીલ વિસ્તારો એવા દરિયાપુર, શાહપુર, જમાલપુર વગેરે જગ્યાએ બંદોબસ્ત જાળવવા પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. ઇદના તહેવારને લઇ ગત મોડી રાત સુધી બજાર પણ ખુલ્લાં રહ્યાં હતાં. સતત બે દિવસ સુધી પોલીસને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ અપાયા હોઇ બહારથી આવેલા પોલીસ જવાનોને પણ આજનો દિવસ બંદોબસ્તમાં કાઢવાની ફરજ પડી રહી છે. બે દિવસ સુધી બંદોબસ્ત બાદ શનિ-રવિની રજામાં આરામ જ કરવો પડશે તેવું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે.

You might also like