અારોપીઓનું સરઘસ કાઢી પોલીસે લાઠીઓ વરસાવી

અમદાવાદ: શહેરના રાયખડ વિસ્તારમાં પોલીસ પર થયેલા હુમલા કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓનું પોલીસે ગઇ કાલે સાંજે જમાલપુર અને રાયખડ વિસ્તારમાં સરઘસ કાઢીને લાઠીઓ વરસાવતા કિસ્સામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પોલીસ કમિશનરે આ મામલે તપાસ શરૂ કરી છે. ગાયકવાડ હવેલી પોલીસે આરોપીને જમાલપુર અને રાયખડ વિસ્તારમાં દોરડાથી બાંધીને સરઘસ કાઢ્યું હતું અને તેમને ઊઠકબેઠક કરાવીને લાઠી વરસાવી હતી.

ક્રાઇમ બ્રાંચ નજીક આવેલ રાયખડમાં બુટલેગરોને પકડવા ગયેલી પોલીસ પર મહિલા બુટલેગરોએ હુમલો કરીને જાહેરમાં ધોલાઇ કરી હતી. રાયખડ પોલીસચોકી પર ફરજ બજાવતા લોકરક્ષક દળના જવાન મિતેશભાઇ ભરવાડે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ અન્ય ત્રણ એલઆરડી પોલીસ જવાન સાથે રાયખડ વિસ્તારમાં જૂની પ્રસાદ‌ મિલ કમ્પાઉન્ડમાં વોન્ટેડ પરસીસ ઉર્ફે પર્સી ક્રિશ્ચિયન નામની મહિલા બુટલેગરને પકડવા માટે ગયા હતા તે સમયે સમીર, લાલો, રવિ અને અસરફ તથા બુટલેગર કમળા ઉર્ફે કાળી દોડી આવ્યા હતા અને ચારેય પોલીસકર્મીઓ સાથે તકરાર કરીને એલઆરડી જગદીશભાઇ પાસેથી લાકડી છીનવી લઇને તેમને માર મારવા લાગ્યા હતા.

આ કેસમાં ગાયકવાડ હવેલી પોલીસે બે દિવસ પહેલાં નાસીર આમિરખાન પઠાણ, ભૂપેન્દ્ર ઉર્ફે લાલો મોતીભાઇ કહાર તથા રવી ઉર્ફે જયેશ નારણભાઇ કહારની ચાર પોલીસકર્મીઓ પર હુમલા કેસમાં ધરપકડ કરી હતી. ગઇ કાલે સાંજે આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂરા થવાના હોવાથી તેમને મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાના હતા.

કોર્ટમાં હાજર કરે તે પોલીસ પહેલાં દોરડાથી બાંધીને ત્રણેય આરોપીઓને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી જગન્નાથ મંદિર તરફના રોડ પર લઇ ગઈ હતી.ત્યારબાદ જમાલપુર દરવાજાથી જયશંકર સુંદરી હોલ અને રાયખડ વિસ્તારમાં લઇ જઇને પરત પોલીસ સ્ટેશન લાવ્યા હતા. આરોપીઓનું સરઘસ જોવા માટે લોકોના ટોળેટોળા રોડ પર ઊમટી પડ્યા હતા. પોલીસ પર હુમલો કરવા અંગે પોલીસ કર્મીઓએ ત્રણેય આરોપીઓનું જાહેરમાં સરઘસ તો કાઢ્યું પરંતુ તેમના પર લાઠીચાર્જ પણ કર્યો હતો.

ત્રણેય આરોપીઓને લાઠીચાર્જ સાથે ઊઠકબેઠક પણ કરાવી હતી. પોલીસની આ કામગીરીથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. શહેર પોલીસ ક‌િમશનર એ.કે.સિંઘે જણાવ્યું છે કે પોલીસ પર હુમલા કેસમાં આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આરોપીઓનું સરઘસ કાઢીને તેમના પર લાઠીચાર્જ કર્યો તે માટે પણ પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે સ્ટેટ હ્યુમન રાઇટ્સ ક‌િમશનના સભ્ય સુધીર સિન્હાએ જણાવ્યું છે કે આરોપીઓ જાહેરમાં ઊઠકબેઠક કરાવીને તેમની પર લાઠીચાર્જ કરવાની સત્તા પોલીસ પાસે નથી. તેમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.

You might also like