સુરેન્દ્રનગરઃ ચેઈન સ્નેચિંગ કરનારા આરોપીઓ ઝડપાયાં, પશુચોરી પણ કરતા હતા

સુરેન્દ્રનગર જિલ્લો જાણે ગુનાખોરીનું હબ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. લૂંટ, હત્યા, ફાયરિંગ, જૂથ અથડામણ, ચોરી જેવા બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે લીંબડી પોલીસે હાઇવે પરથી સોનાના દાગીનાની ચીલ ઝડપ કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને લીંબડી સહીત અનેક જિલ્લામાં ચીલઝડપના ભેદો ખુલ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ક્રાઇમ રેટ ઘટવાનું નામ જ નથી લેતો ત્યારે થોડા દિવસો પહેલા લીંબડી ખાતે વિપુલ સોસાયટીમાં રહેતા સિનિયર સીટીઝન વિલાસબેન તથા તેમના પતિ સાંજના સમયે વોકિંગમાં નિકળ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો મહિલાના ગળામાંથી 10 ગ્રામ સોનાનો ચેઇનને ઝૂટવી, લૂંટ કરીને નાસી ગયા હતા. જે અંગે ભોગ બનનાર મહિલાના પતિ જયંતીલાલ ત્રિભોવનદાસ શાહ એ લીંબડી પોલીસ મથકે લૂંટ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

જેને આધારે જિલ્લા પોલીસવડાની સૂચનાથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી અને બાતમીના આધારે લીંબડી ઊંટડી પુલ ઉપરથી આરોપીઓ યુનુસ ઈસાભાઈ રાધાનપરા ઘાંચી, ઉંમર વર્ષ 44, રહેવાસી-શિહોર, જિલ્લો, ભાવનગર તથા રસુલ મહેબૂબભાઈ સૈયદ ઘાંચી ઉંમર વર્ષ 35, રહેવાસી-શિહોર, જિલ્લો ભાવનગર વાળાને મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને આરોપીઓ પાસેથી સોનાનો ચેઇન અને બાઈક સહિત કુલ રૂપિયા 40000/- નો મુદામાલ પણ જપ્ત કર્યો હતો. જયારે આરોપી યુનુસ રાધાનપરાએ અગાઉ રાજકોટ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા સહિતના શહેરોમાં અંદાજે 17 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં તેમજ આરોપી રસુલ સૈયદ ઘાંચીએ પણ મહુવા ખાતે પશુચોરીના ગુનાઓમાં ઝડપાયેલ હોવાનું બહાર આવ્યું હતું. ક્રિકેટના સટ્ટામાં હારી જવાથી દેવું થઇ જતા બંને ચોરીના રવાડે ચડ્યા હોવાનું પણ આરોપીઓએ જણાવ્યું હતું.

You might also like