ધો. ૧૧-૧ર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એક્ટિવા ચોર્યું

અમદાવાદ: બાપુનગર વિસ્તારમાંથી એક્ટિવાની ચોરી કરતા બે સાયન્સના વિદ્યાર્થીઓની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી છે. બંને વિદ્યાર્થીઓએ મોજ શોખ પૂરા કરવા માટે પૈસા મેળવવા એક્ટિવાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. હાલમાં પોલીસે બંને વિદ્યાર્થીની ધરપકડ કરી છે. કૃષ્ણનગર પોલીસે હરિ સ્ટેટસ નજીકથી એક્ટિવા પર જતાં બે સગીર વયના છોકરાઓને અટકાવ્યા હતા. પોલીસે એક્ટિવાના કાગળ બાબતે પૂછપરછ કરતાં તેઓ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતાં. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં તેઓએ આ એક્ટિવા તેઓનાં ઘરથી થોડે દૂરથી ચોર્યું હતું. બંનેની વધુ પૂછપરછ કરતાં તેઓ બાપુનગર વિસ્તારના રહેવાસી હતા અને ધો.૧૧ અને ૧ર સાયન્સમાં અભ્યાસ કરે છે. પોતાની પાસે મોજ શોખ કરવાના પૈસા ન હોવાથી તેઓએ એક્ટિવામાં ચાવી લટકાવેલી જોઇ એક્ટિવા લઇ નીકળી ગયા હતા અને વેચવા જતા હતા ત્યારે કૃષ્ણનગર પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

You might also like