આંગડિયા પેઢીઓના કર્મચારીઓને લૂંટતી આંતરરાજ્ય લૂંટારુ ગેંગ ઝડપાઈ

અમદાવાદ: રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાં આવેલી આંગડિયા પેઢીઓના એકલ દોકલ કર્મચારીઓને લૂંટી લેનાર આંતરરાજ્ય ગેંગને પોલીસે પાટણ મહેસાણા હાઇ વે પરથી ફિલ્મી ઢબે ઝડપી લઇ રિવોલ્વર, કારતૂસ અને એક અલ્ટો કાર કબજે કરી સઘન તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે મહેસાણા પાટણ હાઇ વે પર રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પાંચ શખ્સો એક કાર અને એક બાઇક પર શકમંદ હાલતમાં પસાર થઇ રહ્યા હોઇ પોલીસે તેનો પીછો કરતાં કારમાંથી એક શખ્સે ગોળીબાર કર્યો હતો. જોકે ગોળીબારમાં કોઇને ઇજા થઇ નહોતી.

પોલીસે કારનો પીછો કરી એક કિલોમીટરના અંતરેથી કારને ઝડપી લઇ અમદાવાદના સાણંદ તાલુકાના રહીશ બે સગાભાઇ આબિદખાન ઇમજતખાન પઠાણ અને તાહિરખાન ઇમજતખાન પઠાણ, સોહેબખાન દાદુખાન મલેક, રાજેશ ત્રિભોવન પંચાલ અને રામજીવન મલખાન પાલ આ પાંચેય શખ્સોને આબાદ ઝડપી લીધા હતા.

પોલીસે કારની જડતી કરતાં તેમાંથી એક રિવોલ્વર, ૧પ જીવતી કારતૂસ, મોં પર પહેરવાના માસ્ક, ધોકા, હોકીઓ અને લાકડીઓ મળી આવી હતી. આ ગેંગ પાટણની એક આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવવા જઇ રહી હતી તે પહેલાં જ પોલીસે પકડી પાડી લૂંટનો કારસો નિષ્ફળ બનાવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આ ગેંગેે અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત અને મહેસાણાની આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટી લીધા હોવાનું જણાતાં પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

You might also like