બુટલેગરોની પીછો કરતી પોલીસ ટીમ પર ટ્રક ચડાવી કચડી નાખવાનો પ્રયાસ

અમદાવાદ: ઊના-દેલવાડા રોડ પર ગત મોડી રાત્રે બુુટલેગરોએ પોલીસથી બચવા અને ભાગી છૂટવા પોલીસ ટુકડી પર ટ્રક ચડાવી પોલીસને કચડી નાખવાનો પ્રયાસ કરતાં તંત્ર ચોંકી ઊઠયું છે. જોકે પોલીસે ભારે મહેનત બાદ રૂ.૩૦ લાખના વિદેશી દારૂ સાથે ટ્રકને ઝડપી લીધી હતી, પરંતુ બુટલેગરો રાતના અંધારાનો લાભ લઇ ભાગી છૂટયા હતા.

દીવથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક ટ્રક માંડવી ચેકપોસ્ટ પરથી પસાર થવાની છે તેવી બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મોડી રાત્રે એક ટ્રક પૂરઝડપે પસાર થતાં પોલીસ ટીમે તેને રોકવાનો પ્રયાસ કરતાં બુટલેગરોએ ટ્રક પોલીસ ટીમ પર ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ કર્મીઓ રોડની એક તરફ ખસી જતાં બચી ગયા હતા, પરંતુ ત્રણ પોલીસ કર્મી ટ્રકની અડફેટે આવી જતાં તેમને ઇજાઓ પહોંચી હતી.

પોલીસના ભયથી બચવા બુટલેગરો ટ્રકને રોડ પર જ રેઢી મૂકી રાતના અંધારામાં ગરકાવ થઇ ગયા હતા. પોલીસે ટ્રકની જડતી લેતાં ટ્રકમાંથી વિદેશી દારૂ ભરેલી પ૯૪ પેટી અને ૬૬ બિયરના ટીનની પેટીઓ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ભુરાભાઇ, યુવરાજસિંહ અને જે.જે. પરમારને ઇજાઓ પહોંચતાં ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઊના પોલીસે આ અંગે ખુદ ફરિયાદી બની હત્યાની કોશિશનો ગુનો નોંધાવ્યો છે. આ વિદેશી દારૂનો જથ્થો કયાં ઠાલવવાનો હતો તે અંગેની પોલીસને મહત્ત્વની કડી પ્રાપ્ત થતાં પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

You might also like