કુખ્યાત આરોપી પકડાતાં ગુનાખોરી ઘટશે?

રાજકોટ છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમ કેપિટલ બની રહ્યું હતું અને હત્યા, લૂંટ, મારામારી, હુમલાઓ અને પ્રોપર્ટી અંગેના ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો હતો. દરમિયાન રાજકોટ પોલીસને દોઢેક વર્ષથી નાસતાંફરતાં કુખ્યાત ભૂમાફિયા બલી ડાંગર અને તેના ત્રણ સાગરીતોને ઝડપી લેવામાં સફળતા મળી છે. પરંતુ આમજનતામા સવાલ એ છે કે શું હવે સૌરાષ્ટ્રમાં ગુનોખોરી પર લગામ આવશે? પોલીસની ધાક ગુનેગારો પર રહેશે? જવાબ તો સમય જ આપી શકશે.

ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ખંડણી, ધાકધમકી, ગેરકાયદે હથિયારો રાખવાં સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો ખૂંખાર અપરાધી બલી ડાંગર પેરોલ પર છૂટ્યો હતો. તેને ગત ૧પ જુલાઈ, ર૦૧પના રોજ જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન તેણે અપહરણ, ફાયરિંગ, ખૂનની કોશિશ અને ધાકધમકીથી મિલકતો પચાવવાના અનેક ગુનાઓ આચર્યા હતા. રાજકોટમાં માથું ઊંચકતી ગેંગવૉરમાં છાશવારે તેનું નામ ઉછળતું હતું. આથી તેને પકડવા રાજકોટ પોલીસ સક્રિય બની હતી. જોકે છેલ્લાં દોઢ વર્ષથી તે પકડાતો ન હોવાથી પોલીસ પર તેને પકડવા માટેનું દબાણ વધતું જતું હતું.

રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, “છેલ્લા થોડા દિવસોની ઘટનાઓની કડીઓ મેળવી બાતમીઓના આધારે પોલીસે બલી ડાંગર પર વૉચ ગોઠવી હતી. બલી અને તેના સાગરીતો પોલીસથી બચવા વારંવાર લૉકેશન બદલતા અને મોબાઈલનો પણ ઓછો ઉપયોગ કરતાં. દરમિયાન બલીને હથિયારો પહોંચતાં કરાયાં છે અને તે મોરબી તરફ હોવાની બાતમી મળતા રાજકોટ ક્રાઈમબ્રાંચની જુદી જુદી ટીમો બનાવી બલીને પકડવા ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું.”

પોલીસ કમિશનરે ઓપરેશનની માહિતી આપતાં કહ્યું કે, “બલી અને તેના સાગરીતો ચોટીલા પાસે બેટી નજીક આવી રહ્યાં હોવાની બાતમી મળતાં બલીને ઝડપી લેવા રાજકોટ પોલીસે બેટી ગામ પાસેના રસ્તે વેશપલટો કરીને વૉચ રાખી હતી. બલી અને તેના સાથીઓ પાસે હથિયારો હોવાની બાતમીથી પોલીસની એક ટીમને બુલેટપ્રૂફ જેકેટ અને હૅલમેટ સાથે વૉચમાં રખાઈ હતી. ર૮ નવેમ્બરે વહેલી સવારે બલી એક ખાનગી વાહનમાં બેટી ગામના પાટિયા પાસે ઊતર્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો.” બલીની સાથે અર્જુન જળુ, અર્જુન ડાંગર અને સિકંદર નામના શખ્સો પણ ઝડપાયા હતા. પોલીસે બલી અને તેના સાગરીતો પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ, અગિયાર કાર્ટિસ લૉડ મેગઝિન અને બે મોબાઈલ કબ્જે કર્યાં હતાં. દોઢેક વર્ષથી ફરાર બલી અને તેના સાગરીતો રાજસ્થાન, ભાવનગર, જૂનાગઢ મોરબી સહિતના વિસ્તારોમાં છુપાયા હતા. પોલીસ તેને આશરો આપનારની તપાસ કરી રહી છે.

બલીના આક્ષેપથી રાજકીય વર્તુળોમાં ચર્ચાબલી ડાંગર પોલીસના હાથે ઝડપાઈ જતા ગુનાખોરો અને પોલીસ ઉપરાંત રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે. બલી ડાંગર અને તેના સાગરીતોની ધરપકડ બાદ બપોરે જ્યારે આ આરોપીઓને મીડિયા સમક્ષ પોલીસ લાવી ત્યારે એકાએક બલીએ મીડિયા સમક્ષ બરાડા પાડી એવા આક્ષેપો કર્યા કે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અને પૂર્વ પોલીસ કમિશનર મોહન ઝાએ મને ખોટા કેસ કરી સંડોવી દીધો છે. મારી પર રાજકીય રીતે ખોટા કેસો કરવામાં આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરે એ પહેલાં પોલીસે બલી ગેંગને મીડિયા સમક્ષ ફોટા પડાવવા માટે એક અલગ રૂમમાં રાખી હતી ત્યારે એકાએક બલીએ રાજકીય આક્ષેપો કરતા જ પોલીસ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ કમિશનરે આ આક્ષેપોનો જવાબ આપતા કહ્યું, “કુખ્યાત આરોપીઓ પોતાનો બચાવ કરવા ગમે તેવા આક્ષેપો કરતા હોય છે.” જોકે બલીએ આનંદીબહેન પર આક્ષેપો કરતાં રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે. બલીના ઝડપાઈ જવાથી સૌરાષ્ટ્રમાં ગુનાખોરી પર લગામ આવશે તેમ પણ મનાઈ રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like