રાખડીઓમાં પણ છવાયો ‘પોકેમોન’

અમદાવાદ: રક્ષાબંધનના તહેવારની આડે હવે થોડા દિવસો રહ્યા છે ત્યારે ભાઇની રક્ષાના પ્રતીક સમી રાખડીઓનું બજાર ધમધમી રહ્યું છે. બહાર ગામ મોકલવા માટે રાખડીઓની ખરીદી માટે બજારમાં ભીડ દેખાઇ રહી છે. શહેરમાં દરેક ઉંમરના ભાઇની પસંદને અનુરૂપ રાખડીનો ખજાનો ઠલવાયો છે. તેમાં સૌથી વધુ અત્યારે હોટ ફેવરિટ ‘પોકેમોન’ રાખી છે. ‘પોકેમોન’ રાખડી આ વર્ષે નાના બાળકોથી લઇને તરુણ અને યુવા ભાઇઓ માટે હોટ ફેવરિટ હોઇ બહેનો પણ સૌથી વધુ આ રાખી ખરીદતી જોવા મળી રહી છે.

રાખડીઓનું સૌથી મોટું મથક કોલકાતા છે જ્યાંથી ઝીણવટભર્યાં કામવાળી કલાત્મક રાખડીઓ આયાત થાય છે. બજારમાં રૂ.૧૦થી શરૂ કરીને રૂ.૩પ૦ સુધીની રાખડીઓનું વેચાણ થઇ રહ્યું છે. આખું હોલસેલ બજાર માર્ચ મહિનાથી કાર્યરત થઇ જાય છે.

અત્યારે બાળકોમાં ટીવી કેરેકટરનાં તમામ પાત્રો, કાર્ટૂન કેરેકટરની ડિઝાઇન તેમજ લાઇટિંગ મ્યુઝિકલ, લાઇટિંગ બેલ્ટ, ઢીંગલીવાળી રાખડીઓ લોકપ્રિય છે. છતાં તેમાં મોખરે તો ‘પોકેમોન’ અને ત્યાર પછી સ્પાઇડરમેન રાખી જ છે.

રાશિ પ્રમાણે ગ્રહના નંગની રાખડીઓ પણ હવે ડિમાન્ડમાં આવી છે. કોલકાતાના બંગાળી બાબુઓની સ્પેશિયલ કલકત્તી બુટી ડાયમંડ, ક્રિસ્ટલ રાખડીઓની પણ ડિમાન્ડ વધી રહી છે. આ વર્ષે યુવાભાઇઓ માટે બહેનો સરપ્રાઇઝ આપવાના ભાગરૂપે પર્સનલાઇઝ રાખડી કસ્ટમાઇઝ કરાવી રહી છે. રાખી ડિઝાઇનર પાયલ શાહે આ માટે કહ્યું હતું કે જો ફોટો આપો તો ફોટાવાળી રાખડી અને ફોટાવાળી કેક પણ બનાવી આપવામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષથી લુમ્બા રાખીનું મહત્ત્વ વધી રહ્યું છે. ભાઇની સાથે ભાભીને બંગડીમાં લુમ્બા રાખી બાંધવામાં આવે છે.

બજારમાં કઇ રાખડીઓનું વેચાણ વધ્યું
ક્રિસ્ટલ, મોતી, હીરાજડિત, તુલસીપારા, જયપુરી સ્ટોન, ગૂંથણી દોરી, ચાયના બીટસ, કસબઝરી, ચાંદી, અલગ અલગ રિંગની રાખી, મીનાકારી, રુદ્રાક્ષ, બ્રેસલેટ, ટ્રેડિશનલ, સુખડ બોલ, કુંદન, કાચબા પેન્ડન્ટ જ્યારે બાળકોમાં, યુવાઓમાં પોકેમોન, સ્પાઇડરમેન, બુલેટ, કાર્ટૂન, મ્યુઝિકલ, ઢીંગલી, છોટા ભીમ રાખી વેચાઇ રહી છે.

You might also like