પોકેમોન શોધવા નરોડાનો યુવક ગાંધીનગર પહોંચી લોકોના ઘરમાં ઘૂસ્યો!

અમદાવાદ: ભારત સહિત વિશ્વમાં અન્ય દેશોમાં પોકોમોન મોબાઈલ ગેમમાં સગીરો તથા યુવાનો ક્રેઝી બન્યા છે. લોકો ગેમમાં એટલાં ગળાડૂબ થઈ જાય છે કે તેઓ દિવસ-રાત, ખાવા-પીવાનું નથી જોતા. પોતે ક્યાં છે અને કઈ ધૂનમાં હોય તેનું પણ ભાન રહેતું નથી. પોકોમોન ગેમમાં ધૂની બની ગયેલો નરોડાનો એક યુવક પોકોમોનને શોધવા ગાંધીનગર સુધી પહોંચી ગયો હતો. સેકટર-૩૦નાં મકાનોમાં પોકોમોન શોધતાં ઘૂસતો હોવાની પોલીસને જાણ કરાતા પોલીસ પીસીઆર વાન દોડી ગઈ હતી અને યુવકને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં પોતે બે દિવસ અગાઉ પોકોમોન શોધવા નીકળ્યો હતો. આ બાબતે તેના પિતાને જાણ કરતાં તેઓ ગાંધીનગર દોડી આવ્યા હતા.

ભારત સહિતના દેશોમાં પોકેમોન ગેમને ભારે પ્રતિસાદ મળ્યો છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા ગેમમાં લોન્ચર કંપની દ્વારા જુદા જુદા વિસ્તારમાં પોકેમોન મુકાય છે અને જીપીએસ ચાલુ રાખી ગેમ રમનાર વ્યક્તિએ ઓનલાઈન પોકેમોન શોધવાનો હોય છે. અમદાવાદના યુવાનોમાં પણ ગેમનો ભારે ક્રેઝ છે. આ ક્રેઝના કારણે ઘણા અકસ્માતોના બનાવો પણ બન્યા છે. લોકો પોતાની ધૂનમાં ભાન ભૂલી જાય છે.

નરોડા વિસ્તારમાં રહેતો ૨૫ વર્ષીય આ રીતે ભાન ભૂલી અમદાવાદથી પોકેમોન પકડવા ગાંધીનગરના સેકટર-૩૦માં પહોંચી ગયો હતો. હાથમાં મોબાઈલ લઈ સતત મોબાઈલમાં પોકેમોન ગેમમાં મશગૂલ રહી બેથી ત્રણ લોકોનાં ઘરમાં ઘૂસી ગયો હતો. યુવક ઘરમાં ઘૂસતા લોકોમાં હોબાળો મચી ગયો હતો. લોકો તેને પૂછતા તો કોઈ જવાબ જ આપ્યો નહતો. માત્રે ગેમ જ રમ્યા કરતો હતો.
આ બાબતે લોકોએ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતાં સેકટર-૨૧ પોલીસ સ્ટેશનની પોલીસ વાન તાત્કાલિક દોડી ગઈ હતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

પોલીસે યુવકની પૂછપરછ કરતાં ગુરુવારે રાત્રે બાઈક લઈ પોતે ગેમ રમવા નીકળ્યો હતો. આખા અમદાવાદમાં પોકેમોન શોધતો રહ્યો હતો. બાદમાં દિવસે ગાંધીનગર ખાતે આવી અને મોબાઈલમાં પોકેમોન શોધતો રહ્યો હતો. આ બાબતે તેના પિતાને જાણ કરાતા તેઓ ગાંધીનગર ખાતે દોડી ગયા હતા. તેના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે અમે તેની જ શોધખોળ કરી રહ્યા હતા. પોકેમોન ગેમ રમતાં બાળકોના માતા પિતા માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે.

ગેમ રમતા બાળકો પર સતત નજર રાખવી જરૂરી છે. કારણ કે ગેમમાં તેઓ મશગૂલ થતા ક્યાં પહોંચી જાય છે તેમની તેઓને ખબર નથી હોતી. ભૂતકાળમાં ગેમના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર તળાવ, કાંકરિયા ખાતે યુવાનો પોકેમોન રમવા આવતા હોય છે અને લોકો એટલા મશગુલ થાય છે કે કોઈ બીજા સાથે અથડાય છે તો પણ ધ્યાન નથી રહેતું. વસ્ત્રાપુર માનસી સર્કલ ખાતે ગેમ રમતા બે લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.

You might also like