પોકેમોનઃ ડિજિટલ જીવો કરતાં આ બાળકોને બચાવવાં જરૂરી છે

૧૯૯૫માં જાપાનના સતોષી તજિરિ નામના ક્રિએટિવ બંદાએ એક વીડિયો ગેઇમ બનાવી અને નામ આપ્યું ‘પોકેમોન’ કમ્પ્યુટરની ઉત્ક્રાંતિ થઈ રહી હતી અને એ સમયે આ ગેઇમનું આગમન થયું. તે સમયમાં પોકેમોને જ્યાંજ્યાં કમ્પ્યુટર હતું ત્યાંત્યાં પોતાની હાજરી પુરાવી લીધી હતી, પરંતુ સમયની સાથે ટેક્નોલોજીના પ્રવાહ બદલાયા અને નવીનવી વીડિયો ગેઇમ માર્કેટમાં આવવા લાગી. ૨૦૦૧ પછી પોકેમોનનું માર્કેટ ધીમેધીમે ઘટવા લાગ્યું અને લોકો પણ તેને ભૂલવા લાગ્યા હતા, પરંતુ ફરીથી એ જ પોકેમોને વિશ્વને ગાંડું કર્યું છે. અમેરિકાથી ભારત સુધી સૌ પોકેમોન સાથે ભાગી રહ્યાં છે.

પોકેમોનની પ્રસિદ્ધિ સીરિયામાં પણ પહોંચી છે. સીરિયામાં પોકેમોનને જરા નવો અંદાજ આપવામાં આવ્યો અને આ વાત વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સીરિયાનાં બાળકોએ પોકેમોન ટાઈટલને સાથે રાખીને અભિયાન ચલાવ્યું છે કે ગેઇમમાં ડિજિટલ જીવોને શોધવા કરતાં યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલાં બાળકોને બચાવો.

રિવોલ્યુશનરી ફોર્સીસ ઓફ સીરિયાએ આ બાળકોની તસવીરો પોસ્ટ કરી છે. જેમાં બાળકો પોકેમોન કેરેક્ટર્સનાં ચિત્રો હાથમાં પકડીને ઊભાં છે. જેની સાથે સંદેશો લખવામાં આવ્યો છે કે અમે પણ ફસાયેલા છીએ અમારી મદદે કોઈક આવો.

You might also like