પીઓકેમાં ફરી આઝાદીના નારાઃ પાક. વિરુદ્ધ જંગી રેલીનું આયોજન

નવી દિલ્હી: પાક. હસ્તકના કાશ્મીરમાં (પીઓકે) આઝાદીના આંદોલનને વેગ પકડ્યો છે. પાકિસ્તાનથી અલગ થવા માટે પીઓકેના જનદાલીમાં જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આઝાદીના નારા જોરશોરથી લગાવવામાં આવ્યા હતા. સ્થાનિક નેતા લિકાંત ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાન આ શાંતિપૂર્ણ સ્થળને બરબાદ કરવા માટે અહીં આતંકવાદીઓને મોકલે છે. પીઓકેમાં સતત આઝાદી અને સ્વતંત્રતાની માગણી બુલંદ કરી રહી છે.

આ વર્ષે મે મહિનામાં પણ પાક. હસ્તકના કાશ્મીરમાં હજીરા સ્થિત ડિગ્રી કોલેજમાં વિદ્યાર્થીઓએ પાકિસ્તાન વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો હતો. કોલેજમાં વિદ્યાર્થીઓએ પાકિસ્તાન વિરુદ્ધ જોરશોરથી નારાબાજી કરી હતી. ડિગ્રી કોલેજના વિદ્યાર્થીઓનું કહેવું હતું કે આઝાદી અમારો હક્ક છે અને અમે કોઈ પણ ભોગે પાકિસ્તાનથી આઝાદી મેળવીને જ જંપીશું. આ વિરોધ દેખાવો પાકિસ્તાન તરફથી પીઓકેના લોકો પર ગુજારવામાં આવતા અત્યાચારો વિરુદ્ધ આક્રોશ અને રોષ છે. પાકિસ્તાની સેના આ વિસ્તારના લોકો પર અત્યાચારો ગુજારી રહી છે.

સિંધ-પ્રાંતમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ સ્થાનિક લોકો પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. પાકિસ્તાન આ અવાજને દબાવવાની ભરચક કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાનની આર્મી સ્થાનિક લોકો પર જુલમ ગુજારી રહ્યું છે. તાજેતરમાં ચીન-પાક. આર્થિક કોરિડોરને લઈને પણ લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તે છે.

બીજી બાજુ ભારત પહેલેથી જ કહેતું આવ્યું છે કે પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનનો ગેરકાયદે કબજો છે અને તે ખાલી કરવો પડશે. ભારતનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરને લઈને જો કોઈ વિવાદ હોય તો તે માત્ર પાકિસ્તાન તરફથી પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પરનો ગેરકાયદે કબજો છે.

પીઓકેની હજીરા સ્થિત ડિગ્રી કોલેજમાં વિદ્યાર્થીઓએ પાકિસ્તાની સત્તાવાળાઓ વિરુદ્ધ પોતાનો અવાદ બુલંદ કર્યો હતો અને જોરશોરથી નારાબાજી કરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી આઝાદી એ અમારો અધિકાર છે.

You might also like