બેન્કે કાપી લીધેલા ર૦૦ રૂપિયા PMOએ વ્યાજ સહિત પરત અપાવ્યા

કાનપુર: કાનપુરની એક મહિલાના એકાઉન્ટમાંથી બેન્કે ર૦૦ રૂપિયા વધુ જમા કરી લેવાના મુદ્દે મહિલાએ વડા પ્રધાનના કાર્યાલય (પીએમઓ)માં ફરિયાદ કરી હતી, જેના આધારે પીએમઓએ આ મહિલાને તેના પૈસા પરત આપવા બેન્કને પત્ર દ્વારા જાણ કરતાં બેન્ક તરફથી તે મહિલાને વ્યાજ સહિત પૈસા પરત મળી ગયા છે.

કાનપુરના ઈન્દ્રાનગરમાં રહેતી ચંદ્રા મિશ્રના નામે સ્ટેટ બેન્કમાં એકાઉન્ટ છે. ચંદ્રાએ ડિસેમ્બર-ર૦૧પમાં ચાર લાખનો અકસ્માત વીમો રિન્યૂ કરાવવા બેન્કમાં ર૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા અને તેના પતિનો ર૦ લાખનો અકસ્માત વીમો પણ રિન્યૂ કરાવ્યો હતો.

બેન્કની ભૂલથી આ મહિલાના પતિના માત્ર ર૦૦ રૂપિયા લઈને ચાર લાખનો વીમો લેવામાં આવ્યો, જ્યારે 20 લાખના વીમામાં રૂ.૧,૦૦૦ થાય છે. ચંદ્રાએ આ વાત બેન્કને જણાવી હતી. બેન્કને તેની ભૂલ સમજાતાં રૂ.૧,૦૦૦ લઈને આ મહિલાના પતિની પો‌િલસી રિન્યૂ કરી દીધી.

આમ, બેન્કે રૂ.૧૦૦૦ને બદલે રૂ.૧ર૦૦ લીધા હતા. બેન્કે વધારાના જે રૂ.ર૦૦ લીધા હતા તે પરત માગવામાં આવતાં બેન્કે મહિલાને ધક્કા ખવડાવ્યા હતા. વારંવાર ધક્કા ખાવા છતાં પૈસા પરત નહિ મળતાં આ મહિલાએ બેન્કના ડીજીએમ અને વડા પ્રધાનને પત્ર લખ્યો હતો, જેના આધારે પીએમઓના પત્રથી આ મહિલાને પૈસા પરત મળી ગયા હતા.

પીએમઓમાંથી બેન્કને પત્ર લખવામાં આવતાં બેન્કમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને આ મહિલાને રૂ.ર૦૦ સાથે રૂ.૬૬ વ્યાજના પણ ચૂકવી દીધા હતા.

You might also like