વિદેશ યાત્રા પરથી પરત ફર્યા મોદી, કાશ્મીરની પરિસ્થિતી પર બોલાવેલી બેઠક પૂર્ણ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આફ્રિકાના ચાર ‌દેશોની પાંચ દિવસીય યાત્રા પરથી આજે સવારે ૬-૦૦ વાગ્યે નવી દિલ્હી પરત આવી ગયા છે. વડા પ્રધાન મોદીએ આજે ૧૦-૦૦ વાગ્યે કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા એક મહત્ત્વની બેઠક બોલાવી હતી. જે બે કલાક ચાલી હતી. આ બેઠકમાં સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, રાજનાથ, પર્રિકર સહિતના ઉચ્ચ અધિકારીઓ શામેલ થયા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારે કાશ્મરની હિંસા પર લીધેલા તમામ પગલાંઓની રજૂઆત પીએમ સમક્ષ કરી હતી. સ્થિતિને નિયંત્રણમાં લેવાની ચર્ચા થઇ હતી. સાથે જ જમ્મુ કશ્મીર સરકારને તમામ મદદ કરવાની કેન્દ્રએ તૈયારી બતાવી છે. આ બેઠકને પગલે  કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે.

આ બેઠકમાં હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં વણસેલી સ્થિતિ અંગે ચર્ચા કરી તેની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં કાશ્મીર હિંસા મુદ્દે પાકિસ્તાન તરફથી કરવામાં આવતા અપપ્રચાર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાને કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાની અને અન્ય લોકોના મોત પર ગંભીર ચિંતા વ્યક્ત કરીને સોમવારે ભારતીય હાઇ કમિશનરને બોલાવ્યા હતા અને મૂળભૂત અધિકારોના ખુલ્લેઆમ ઉલ્લંઘન માટે જવાબદાર લોકો વિરુદ્ધ નિષ્પક્ષ અને પારદર્શી તપાસની માગણી કરી હતી. એક નિવેદન અનુસાર વિદેશ સચિવે ભારતીય હાઇ કમિશનર ગૌતમ બંબાવાલેને બોલાવ્યા હતા અને કાશ્મીરની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આફ્રિકા પ્રવાસમાં સાથે ગયેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અ‌િજત દોભાલ પોતાનો પ્રવાસ ટૂંકાવીને સોમવારે દિલ્હી પરત આવી ગયા હતા અને ગૃહપ્રધાન રાજનાથસિંહ દ્વારા આયોજિત એક ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી.
દરમિયાન કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે વડા પ્રધાનને બુરહાન વાનીના મૃત્યુના પગલે કાશ્મીરમાં ભડકી ઊઠેલી હિંસા અંગેનો અહેવાલ સુપરત કરવામાં આવશે. વાનીના મોત બાદ હિંસામાં અત્યાર સુધીમાં ૩ર લોકોએ જીવ ગુમાવ્યા છે. ૧પ પોલીસકર્મીઓ સહિત ૧૩૦૦થી વધુ લોકો જખમી થયા છે. તોફાનીઓએ અનંતનાગના બટકૌટમાં અમરનાથ યાત્રીઓના ભંડારા પર હુમલો કરીને તેમાં પેટ્રોલ બોમ્બ ઝીંકીને ભંડારાને સળગાવી નાખ્યો હતો, જોકે કમિશનર અસગર સૈમુને તેને અફવા ગણાવી હતી.

તોફાનીઓએ અનંતનાગમાં કોર્ટ સંકુલ અને મુંસિફના સરકારી આવાસને સળગાવી નાખ્યું છે. અવંતીપુરાના એરફોર્સ સ્ટેશનમાં પણ તોફાનીઓના ટોળાએ હુમલો કરીને અંદર ઘૂસવાની કોશિશ કરી હતી, જોકે સુરક્ષાદળોએ તેમના આ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. દરમિયાન કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રાના ર૩૯૭ શ્રદ્ધાળુઓને બેઝ કેમ્પ ભગવતીનગરથી યાત્રા માટે રવાના કરાયા હતા.

કાશ્મીરની સ્થિતિને ધ્યાનમાં રાખીનેે સીઆરપીએફની ર૧ કંપનીઓને સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે અને જરૂરિયાત મુજબ તેમજ કાશ્મીર મોકલવામાં આવશે. કાશ્મીરમાં આજે ચોથા દિવસે પણ તમામ ૧૧ જિલ્લાઓમાં કરફયુ જારી છે અને ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ અમલમાં છે. છેલ્લા ચાર દિવસમાં સૌથી વધુ મોત અનંતનાગમાં થયા હતા. અહીં હિંસામાં ૧૩નાં મોત થયા છે. આ ઉપરાંત કુલ ગામમાં નવ, શોફિયામાં ચાર, પુલવામામાં ત્રણ અને શ્રીનગરમાં એકનું મોત થયું છે.

You might also like