શિવસેના પીએમના બચાવમાંઃ મોદી વિરુદ્ધ કોણ સાજિશ રચી રહ્યું છે?

મુંબઈ: કેન્દ્રમાં મોદી સરકારના સાથી પક્ષ શિવસેનાએ દેશની વર્તમાન સ્થિતિને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો છે. શિવસેનાએ એવો સવાલ કર્યો છે કે હાલના માહોલ માટે કોણ જવાબદાર છે ? પક્ષના મુખપત્ર ‘સામના’માં શિવસેનાએ જણાવ્યું છે કે તેણે ચિંતા દેશની સ્થિરતાની છે. શિવસેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બચાવ કરતાં જણાવ્યું છે કે મોદીના કામમાં રોડા નાખવા મોદી વિરુદ્ધ કોણ સા‌િજશ રચી રહ્યું છે ? આ એક વિચાર માગી લે તેવો વિષય છે.
‘સામના’માં છપાયેલા તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે વર્તમાનમાં જેવી ઘટનાઓ સામે આવી રહી છે તેને જોતાં પ્રશ્ન થાય છે કે શું આ દેશ હવે સ્થિર રહી શકશે ? અમને હવે દેશની સ્થિરતાની ચિંતા છે. સરકાર આવે છે અને સરકાર જાય છે, પરંતુ દેશ ટકી રહેવો જોઈએ અને દેશમાં સ્થિરતા જળવાવી જોઈએ.

જેએનયુ વિવાદ અને જાટ અનામત આંદોલનની આગ વચ્ચે શિવસેનાએ આ તંત્રીલેખમાં એક સાથે અનેક લોકોને નિશાન બનાવ્યા છે. ‘સામના’માં જણાવ્યું છે કે આપણા જ દેશના નાગરિકો પર આપણા જ લશ્કરે ગોળીઓ વરસાવી, પરંતુ કાશ્મીર ખીણમાં ઈસ્લામિક સ્ટેટનો ઝંડા લહેરાવનારા લોકો સહી સલામત છે.

You might also like