PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમને રાષ્ટ્રને સમર્પણ કરવા ગુજરાત આવી રહ્યા છે. આજે રાત્રે ૯ કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.
નરેન્દ્ર મોદીનો આવતી કાલે જન્મ દિવસ છે. સવારે રાયસણ ખાતે રહેતાં તેમના માતા હીરાબાના આશીર્વાદ લીધા બાદ કેવડિયા જવા રવાના થશે.

સવારે ૯ કલાકે કેવડિયા પહોંચ્યા બાદ નર્મદા મૈયાની આરતી અને પૂજન થશે. જેમાં દેશભરના ૧૦૦૦થી વધુ સાધુ-સંતો હાજરી આપશે. ડેમના રાષ્ટ્ર અર્પણ બાદ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા (સ્ટચ્યુ ઓફ યુનિટી)ની કામગીરીનું નિરિક્ષણ કરશે. ત્યાર બાદ તેઓ જાહેરસભાને સંબોધન કરીને ૨.૩૦ કલાકે અમરેલી જવા રવાના થશે. અમરેલીમાં એપીએમસી અને અમરેલીના ઉદ્ઘાટનની સાથે આઈસક્રીમ પ્લાન્ટ કેટલફીડ પ્લાન્ટ અને મધમાખી ઉછેર કેન્દ્રનું ખાતમુહૂર્ત કરશે. અમરેલી ખાતે ૧ લાખથી વધુ ખેડૂતોની જાહેરસભાને સંબોધન કર્યા બાદ ૪.૪૫ કલાકે અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

આવતી કાલે નર્મદા ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી નર્મદા યોજનાના સહભાગીદાર રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પણ હાજરી આપશે. આવતી કાલે નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ભાજપ ‘સેવા દિવસ’ તરીકે ઉજવણી કરશે. જેમાં બ્લડ ડોનેશન, હેલ્થ ચેકઅપ, ફ્રૂટ વિતરણ સહિતના સેવાકીય કાર્યો રાજ્યભરના જિલ્લા ભાજપ કાર્યાલયના નેતૃત્વ હેઠળ થશે.

You might also like