મોદી આજે ડ્રોન કેમેરાથી કેદારનાથ પુનઃ નિર્માણ કાર્યોની સમીક્ષા કરશે

નવી દિલ્હી, બુધવાર
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી કેદારનાથમાં ચાલી રહેલા પુનઃનિર્માણ કાર્યોની ડ્રોન કેમેરાથી દિલ્હીમાં બેઠા બેઠા સમીક્ષા કરશે. મંગળવારે વડા પ્રધાનના ખાસ સચિવ ભાસ્કર ખુલ્બેએ પ્રાયોગિક ધોરણે વડા પ્રધાનના કાર્યલયમાંથી કેદારનાથના પુનઃ નિર્માણ કાર્યોની સમીક્ષા કરી હતી. કેદારનાથમાં પુનઃ નિર્માણ કાર્યનો વડા પ્રધાનના ડ્રીમ પ્રોજેકટમાં સમાવેશ થાય છે.

આ કારણસર વડા પ્રધાન વખતોખત તેની સમીક્ષા કરી રહ્યા છે. ગઇ સાલ ર૦ ઓકટોબરે વડા પ્રધાને કેદારનાથમાં પાંચ પ્રોજેકટનો શિલાન્યાસ કર્યો હતો. ત્યાર બાદ રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે પ્રોજેકટ પર કાર્ય કરી રહી છે.

કેદારનાથમાં પાંચ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટોમાં આદિગુરુ શંકરાચાર્યના સમાધિ સ્થળનો જિર્ણોદ્ધાર અને સંગ્રહાલયનું નિર્માણ, ગૌરીકુંડથી કેદારનાથના પગપાળા રસ્તાનું વિસ્તરણ, મંદાકિનીના કિનારે પૂર સુરક્ષા અને ઘાટનું નિર્માણ, સરસ્વતીના કિનારે પૂર સુરક્ષા અને ઘાટનું નિર્માણ તેમજ કેદારનાથમાં તીર્થ પુરોહિતો માટે આવાસના નિર્માણનો સમાવેશ થાય છે.

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં ડ્રોન કેમેરા દ્વારા આ નિર્માણ કાર્યોની સ્થિતિની સમીક્ષા કરશે. રુદ્રપ્રયાગના કલેકટર મંગેશ ઘીલીદયાલે જણાવ્યું હતું કે તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. આ માટે ત્રણ ડ્રોન કેમેરા કેદારનાથ મોકલવામાં આવ્યા છે.

You might also like