આવતા અઠવાડિયે ચીન જશે PM મોદી, રાષ્ટ્રપતિ સાથે કરશે મીટિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે આગામી સપ્તાહમાં ચીનમાં મુલાકાત થશે. પેઇચિંગમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની સાથે સંયુક્ત કોન્ફરન્સમાં સંબોધિત કરતા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યુ કે, રાષ્ટ્રપતિ જિનપિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વચ્ચે વુહાનમાં 27-28 એપ્રિલના અનૌપચારિક શિખર બેઠક યોજાશે. ગયા વર્ષે ડોકલામમાં બંને દેશો વચ્ચે લાંબો સમય સુધી ચાલેલા સૈન્ય ઘર્ષણ બાદ બંને દેશોના નેતાઓની આ બેઠક મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી બન્યા પછી મોદીનો આ ચીનનો ચોથો પ્રવાસ હશે. આ સિવાય તેઓ જૂનમાં પણ ચીનના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના કિંગદાઓ શહેરમાં 9-10 જૂનના થનારા શંઘાઇ સહયોગ સંગઠનની શિખર બેઠકમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે મુલાકાત થઇ શકે છે.

સંયુક્ત કોન્ફરન્સને સંબોધિત કરતા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, તેઓ શાંઘાઈ કૉઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)ના સભ્ય બનવા બદલ ભારતને ફરી એક વાર અભિનંદન પાઠવે છે. તેમણે કહ્યું કે, ચીન SCOના વિદેશપ્રધાનોની બેઠકમાં પહેલી વાર ભાગ લેનારાં ભારતીય વિદેશ મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરે છે.

સંયુક્ત કોન્ફરન્સમાં વિદેશ મંત્રીએ સુષ્મા સ્વરાજે જણાવ્યુ કે, ચીન સતલજ અને બ્રહ્મપુત્ર નદીઓની ડેટાને 2018માં ભારતની સાથે શૅર કરવાની પુષ્ટિ કરે છે., ભારત તેનું સ્વાગત કરે છે. તેમણે આગળ કહ્યુ કે, નાથુલા પાસથી થનારી કૈલાશ માનસરોવરની યાત્રા પુનર્સ્થાપિત થશે. ભારત અને ચીન આંતકવાદ, જળવાયુ પરિવર્તન, સસટેનેબલ ડેવલપમેન્ટ, ગ્લોબલ હેલ્થ કેર વગેરે ક્ષેત્રમાં મળીને કામ કરવા માટે સહમત છે.

આ પહેલાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રવિવારે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર અને સંબંધોમાં સુધારા માટે ઉચ્ચ સ્તરીય સંવાદની ગતિ ઝડપી કરવા અંગે ચર્ચા કરી હતી. SCOના વિદેશપ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે સુષમા સ્વરાજ શનિવારે ચાર દિવસના પ્રવાસે ચીન પહોંચ્યાં હતાં.

You might also like