નેપાળ: જાનકી મંદિરમાં PM મોદીએ કરી પૂજા, જનકપૂર-અયોધ્યા બસને બતાવી લીલી ઝંડી

કાઠમંડુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા શરૂ થઈ ગઈ છે, જેમાં મોદી આજે નેપાળ પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓએ ઐતિહા‌િસક જનકપુર મંદિરમાં દર્શન કર્યાં હતાં. ત્યારબાદ જનકપુર-અયોધ્યા બસને લીલી ઝંડી આપી રવાના કરી હતી.

આ રીતે ભારત અને નેપાળ વચ્ચે બસ સેવા શરૂ કરાવી હતી. ચાર વર્ષમાં વડા પ્રધાન મોદીની આ ત્રીજી નેપાળ યાત્રા છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ભારત અને નેપાળ વચ્ચેના વિશ્વાસમાં આવેલી ઓટ અને નેપાળમાં ચીનના વધતા જતા રસના કારણે મોદીની આ યાત્રા રાજકીય ક્ષેત્રે પણ મહત્ત્વની માનવામાં આવે છે. મોદી એક હાઈડ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

નેપાળમાં નવી સરકાર બન્યા બાદ ભારત તરફથી વડા પ્રધાન મોદીની આ પહેલી ઉચ્ચ સ્તરીય યાત્રા માનવામાં આવે છે. આ દરમિયાન બંને દેશ વચ્ચે કેટલીક મહત્ત્વની સમજૂતી થવાની શક્યતા પણ છે. વડા પ્રધાન મોદીએ જનકપુરથી અયોધ્યા વચ્ચે શરૂ થનારી બસ સેવા અંતર્ગત બસને લીલી ઝંડી બતાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મ‌િહને જ નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી તેમની પહેલી વિદેશ યાત્રામાં ભારત આવ્યા હતા. વડા પ્રધાન મોદી તેમની આ યાત્રા દરમિયાન ભગવાન શ્રીરામની સાસરીમાં ગયા હતા. જ્યાં તેઓએ જનકપુર માતા સીતાના નૌલખા મંદિર પાસે ૧૧૫ સરોવર અને કુંડની મુલાકાત લીધી હતી.

માતા સીતાનું જન્મસ્થાન જનકપુર ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખાસ છે. અહીં માતા સીતાનું સુંદર મંદિર બનાવાયું છે, જેને લોકો નૌલખા મંદિર પણ કહે છે, જેનું નિર્માણ મધ્ય ભારતના ટીકમગઢની રાણી વૃષભાનુ કુમારીએ કરાવ્યું હતું. જનકપુરમાં જ માતા સીતાએ પોતાના બાલ્યકાળથી લઈને યૌવન પસાર કર્યું છે.

જ્યાં સીતાજીના ભગવાન રામ સાથે વિવાહ થયા હતા તે જગ્યાની શોધ એક સંન્યાસી શુરકિશોરદાસજીએ કરી છે. અહીંથી જ માતા સીતાની પ્રતિમા મળી હતી. આ મંદિરની આસપાસમાં ૧૧૫ સરોવર અને કુંડ છે.

જેમાં ગંગાસાગર, પરશુરામ કુંડ અને ધનુષસાગર અત્યંત પવિત્ર ગણાય છે. જનકપુરથી ૧૪ કિલોમીટર ઉત્તર ધનુષા નામનું સ્થળ છે. જ્યાં ભગવાન શ્રીરામે ધનુષ તોડીને સીતાજી સાથે લગ્ન કર્યાં હતાં. આ મંડપની ચારે તરફ સીતા-રામ, ભરત-માંડવી, ઊર્મિલા-લક્ષ્મણ અને શત્રુઘ્ન તેમજ શ્રુતિકીર્તિની મૂર્તિઓ સ્થાપિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨ મેના રોજ કર્ણાટક ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. આ પહેલાં વડા પ્રધાન મોદીએ ભગવાન શ્રીરામની સાસરી જનકપુરમાં દર્શન કર્યાં છે. આ ઉપરાંત આવતી કાલે મોદી પશુપતિનાથના મુકિતનાથ ખાતે પણ જવાના છે. જ્યાં તેઓ ૧૨ પૂજારી સાથે પૂજા કરશે. બાદમાં કાઠમંડુની પણ મુલાકાત લેશે. જ્યારે ભાજપના પ્રમુખ અમિત શાહ આવતી કાલે સોમનાથ મહાદેવનાં દર્શન કરશે.

You might also like