સુરત બાદ હવે રાજકોટમાં પણ PM મોદીનો ભવ્ય રોડ શો થશે

અમદાવાદ: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ર૯ જૂનના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમગ્રાઉન્ડ રાજકોટ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. સુરત ખાતે તાજેતરમાં યોજાયેલા મોદીના ભવ્ય રોડ શોની સફળતા બાદ હવે રાજકોટ ખાતે પણ મોદીનો ૮ કિ.મી.ના રૂટ પર ભવ્ય રોડ શો યોજાશે અને તેની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ ખાતે મોદીને આવકારવા માટે ૮ કિ.મી.નો આ રોડ રોશનીથી શણગારવામાં આવશે અને ૧૦ સ્થળોએ મોદીના ૧૦ ફૂટના કટઆઉટ સાથેના સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે. રાજકોટ ખાતે સૌની યોજના હેઠળ આજી ડેમમાં નર્મદાનાં નીરનું અવતરણ મોદીના હસ્તે થશે.

આ કાર્યક્રમ બાદ મોદીનો એરપોર્ટ સુધીનો રોડ શો શરૂ થશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મેરાણીએ જણાવ્યું કે વડા પ્રધાન બપોરે ૪ કલાકે રાજકોટ આવશે. રેસકોર્સ મેદાન ખાતે દિવ્યાંગ સહાય કેમ્પમાં તેમના હસ્તે ર૧ હજાર દિવ્યાંગોને સહાય વિતરણ કરાશે.

ત્યારબાદ મોદી આજી-૧ ડેમ પર પહોંચીને નર્મદાનાં નીરના વધામણાં કરાવશે, જોકે આજી ડેમમાં નર્મદાનાં પાણી ઠાલવવાનું કામ ર૧ જૂનથી શરૂ થઇ જશે. રોડ શોનો રૂટ આજી ડેમથી ચુનારાવાડ, પારેવડીચોક, ડિલક્સ ચોક, હોસ્પિટલ ચોક અને બહુમાળી ભવનથી એરપોર્ટ સુધીનો રહેશે.

દસ હજાર બાઇસવાર રોડ શોમાં જોડાશે, જેનું ર‌િજસ્ટ્રેશન ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા શરૂ કરાયું છે. બાઇક રેલીમાં મહિલાઓ પણ જોડાશે. મહિલાઓને એક્ટિવા કે અન્ય ટુવ્હીલર સાથે જોડાવાની પારવાનગી મળશે. રોડ શોના રૂટ પર કુલ ૧૦ સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવી રહ્યા છે, જેમાં મોદીની ૩ડી ઇમેજ ધરાવતા મોટા કદના કટઆઉટ મૂકવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like