લાતોં કે ભૂત અગર બાતોં સે ન માને તો…!

‘આઉટ ઑફ ધ બોક્સ થિંકિગ’ની વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં કેટલી ક્ષમતા છે, તેનો પરિચય ધીમેધીમે જગતના અન્ય દેશોનેય થતો જાય છે. વડા પ્રધાન તરીકેની શપથવિધિમાં પાડોશી દેશો સાથે મિત્રતાનો હાથ લંબાવવાની પહેલ કરીને સાર્ક દેશોને આમંત્રણ આપનાર અને કાબુલથી ભારત પરત ફરતી વખતે સ્થાપિત પ્રણાલીઓ જરા પણ હિચકિચાટ વગર તોડીને પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફની દીકરીનાં લગ્નમાં અચાનક પાકિસ્તાન પહોંચી જનાર ભારતીય વડા પ્રધાન ‘સજ્જનતા’નો દુરુપયોગ કરનાર સામે લાલ કિલ્લાની પ્રાચીરથી દુનિયા સાંભળે તેમ પાક. કબજા હેઠળના ગિલગીટ-બાલ્ટીસ્તાનની જ નહીં, પરંતુ બલુચિસ્તાનની પણ ‘ચિંતા’ કરી શકે છે, તે જાણીને માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ચીન પણ ભડક્યું છે.

વળી વડા પ્રધાને તેમના વક્તવ્યમાં શબ્દો પણ એટલા ચાતુર્યસભર વાપર્યા છે કે કોઇ દેશ ભારતનો કાન પણ આમળી ન શકે અને કાશ્મીર અંગેની ભારતની ભાવિ વિદેશનીતિ શું હોઇ શકે છે તેનો અણસાર પણ દેશના ‘ચતુરો’ સાથે ચર્ચા કર્યા વગર જ આપી દીધો. વડા પ્રધાનની આ ‘ચાણક્ય ચેષ્ટા’ની પ્રતિક્રિયા શું આપવી, તે અંગે તેમના વિરોધીઓ પણ દ્વિધામાં છે! આંતરરાષ્ટ્રીય સ્તરે એક વાત હવે સ્પષ્ટ છે કે ભારતના સંયમની કસોટી કરવામાં બાજી બગડી પણ શકે છે.

પાકિસ્તાન સાથે ભારતના સંબંધોની બાબતમાં અનેક વાર ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે. કોઇ ને કોઇ કારણસર પરસ્પરની વિશ્વસનીયતા સ્થાપિત થઇ શકતી નથી. બંને દેશોનું રાજકીય વાતાવરણ એકબીજાને દુશ્મન દેશ જ સ્થાપિત કરતું રહ્યું છે. આવા સમયે રાજકીય ઇચ્છાશક્તિના જોરે નરેન્દ્ર મોદીએ ઘરઆંગણે પ્રતિસ્પર્ધીઓની ટીકા સહન કરીનેય દોસ્તીનો હાથ લંબાવેલો. સામે પક્ષે પાકિસ્તાની વડા પ્રધાને પણ ઘરઆંગણાના કટ્ટરપંથીઓની વિરુદ્ધ જઈ ભારત સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપવાની દિશામાં સુયોગ્ય પ્રતિભાવ આપેલો, પરંતુ ભારત-પાકિસ્તાનના આંતરિક સંબંધો કદાપિ ન સુધરે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશોનું પણ હિત રહેલું હોવાથી મામલો કદાપિ માત્ર બે દેશો વચ્ચેનો રહ્યો જ નથી.

કાશ્મીર એ એક એવી સમસ્યા છે, જેને ભારત-પાકિસ્તાન સિવાયના પણ ઘણાં દેશોએ જીવતી રાખવાની છે. પાકિસ્તાન દ્વારા પોષિત બુરહાન વાની નામનો આતંકવાદી ભારતીય સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યો ગયો, ત્યારબાદ પાકિસ્તાને ખુલ્લેઆમ તેની તરફેણ કરી હતી, એટલું જ નહીં, છેલ્લા લગભગ દોઢ મહિનાથી કાશ્મીર ખીણમાં હજુ હિંસા અને અશાંતિ ચાલુ રહી છે. પઠાણકોટ હુમલાનું સત્ય પાકિસ્તાનને સ્વીકારવું પડે તે માટે ભારતે અસાધારણ કહી શકાય તેવું પગલુ ભરીને આઈએસઆઈ જેવી કુખ્યાત પણ પાક.ની અધિકૃત તપાસ સંસ્થાને પણ ભારત આવવાની મંજૂરી આપી હતી.

પાકિસ્તાનની સરકારને તેના જ દેશનાં આતંકવાદી તત્ત્વોથી દૂર કરવાની રણનીતિમાં ભારતનો ઝખમ વધતો જતો જણાયો ત્યારે હવે વડા પ્રધાને તેમના ‘મિજાજ’ અને ભારતની ‘શક્તિ’ને નજરઅંદાજ ન કરવા આડકતરો ઈશારો હવે કરી દીધો છે. સવાલ એ છે કે નરેન્દ્ર મોદીનો આ નવો દાવ કેટલો કારગર નીવડે છે. જો આ ચાલ સફળ થાય તો વગર યુદ્ધે પણ કેટલાંક સારાં પરિણામો પ્રાપ્ત થઈ શકે છે અને ચાલ અવળી પડે તો નવી નિરાશા અને બાજી બગાડવાનો વિરોધ સહન કરવો પડશે.

પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરના ગિલગીટ-બાલ્ટીસ્તાન પ્રદેશમાં પાકિસ્તાની સૈન્યનો જુલમ દાયકાઓથી ચાલુ રહ્યો છે, છતાં આંતરાષ્ટ્રીય સ્તરે માત્ર ભારતના કબજા હેઠળના કાશ્મીરની જ ચર્ચાઓ થતી રહી છે. વળી પાકિસ્તાનના જ પશ્ચિમ પ્રદેશ એવા બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાનવિરોધી જનાક્રોશ જે રહ્યો છે તે હવે બહાર આવવાથી પાકિસ્તાનની અસલિયત ઉજાગર થવાની છે.

નરેન્દ્ર મોદીની પ્રશંસા બલુચિસ્તાનના નાગરિકોએ કરી તેનો આભાર માનીને વડા પ્રધાને સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન વિરોધીઓનાં દિલ જીતી લીધાં છે. ‘લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે’ની ઉક્તિ પાકિસ્તાન માટે યથાર્થ ઠરતી જતી હોય ત્યારે ભારતે આવું વલણ અપનાવીને જોરદાર માસ્ટર સ્ટ્રોક માર્યો છે. બાલ્ટીસ્તાન તો એ પ્રદેશ છે જેની પશ્ચિમે ગિલગીટ, ઉત્તરે ચીન, દક્ષિણ-પૂર્વમાં લડાખ અને દક્ષિણ પશ્ચિમે કાશ્મીર ખીણ સરહદે અડીને આવેલા છે.

ભારતનું અધિકૃત વલણ એ છે કે પાક. કબજા હેઠળના કાશ્મીર સહિતનો ભાગ ભારતનો અંતર્ગત હિસ્સો છે, પરંતુ આ વલણને વાસ્તવિકતામાં લાવવા ધીમેધીમે આગળ તો વધવું પડેને? વડા પ્રધાને કદાચ શરૂઆત કરી દીધી છે.

સુધીર એસ. રાવલ

You might also like