મુંબઈમાં સૌથી મોટી બિઝનેસ ઈવેન્ટનું મોદીના હસ્તે ઉદ્ઘાટન

મુંબઈ: મુંબઈમાં આજથી દેશના સૌથી મોટા બિઝનેસ ઈવેન્ટ મેક ઈન ઈન્ડિયા વીકની શરૂઆત થઈ રહી છે. તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્વિડન, ફિનલેન્ડ અને પોલેન્ડના વડા પ્રધાન પણ હાજર રહેશે. વડા પ્રધાન મોદી મધ્ય મુંબઈમાં વર્લી સ્થિત એનએસસીઆઈ ઓડિટોરિયમમાં મેક ઈન ઈન્ડિયાના સપ્તાહનું ઉદ્ઘાટન કરશે. રતન તાતા, સાઈરસ મિસ્ત્રી, મૂકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા, અજય પીરામલ અને આનંદ મહિન્દ્રા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે.

એક અઠવાડિયા સુધી ચાલનારા આ ઔદ્યોગિક આયોજનમાં ૨૫૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય અને ૮,૦૦૦થી વધુ ઘરેલુ કંપનીઓ ભાગ લેશે. ૬૮ દેશોના વિદેશી સરકારી પ્રતિનિધિમંડળો અને ૭૨ દેશોના બિઝનેસ પ્રતિનિધિ મંડળો પણ જોડાશે. આ કાર્યક્રમના સફળ કાર્યક્રમ માટે રૂ. ૮૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૫૦૦ વિદેશી મહેમાનોની સાથે ભારતીય કંપનીઓના ૮,૦૦૦થી વધુ પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.

આ ઈવેન્ટના પ્રથમ દિવસે જ રૂ. ૬૪૦૦૦ કરોડ સુધીના ચાર એમઓયુ પર હસ્તાક્ષર થશે. આ તમામ એમઓયુ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા પ્રોજેક્ટ અંગે હશે. ટ્વિનસ્ટાર ડિસ્પ્લે ટેકનોલોજી મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઈડીસી)ની સાથે મહારાષ્ટ્રના વિદર્ભમાં રૂ. ૬૦,૦૦૦ કરોડનો પ્લાન્ટ લગાવવા માટે સમજૂતી પર હસ્તાક્ષર થશે.

અમરાવતીના મોર્શી તાલુકામાં રૂ. ૬૩૫ કરોડનો ફૂડ પાર્ક અને જ્યૂસ પ્રોસેસિંગ યુનિટ લગાવવા માટેની કોકાકોલાની રાજ્ય કૃષિ વિભાગ સાથે ડીલ થશે. આ ઉપરાંત અમરાવતી જિલ્લામાં જ રૂ. ૧૪૦૦ કરોડના ટેક્સટાઈલ પ્લાન્ટ માટે ગારમેન્ટ કંપની રેમન્ડની રાજ્ય ટેક્સટાઈલ વિભાગ સાથે ડીલ થશે. કાર ઉત્પાદન કંપની ફિયાટ પણ પુણેમાં રૂ. ૧૮૦૦ કરોડનો ઓટોમોબાઈલ્સ પ્લાન્ટ લગાવવા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરશે. મેક ઈન્ડિયા કાર્યક્રમ ૧૩ ફેબ્રુઆરીથી ૧૮ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ માટે ત્રણ કિ.મી. લાંબા હંગામી સેટઅપ તૈયાર કરવામાં આવ્યા છે.

You might also like