દુનિયામાં સૌથી ખુલ્લા અર્થતંત્રનું નિર્માણ કરવાનો મારો સંકલ્પઃ મોદી

ટોકિયો: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસ પર છે. આજે સવારે ટોકિયોમાં મોદી જાપાનના રાજા અકી‌િહતોને મળ્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડો-જાપાન ફોરમના બિઝનેસ લીડર્સ અને અનેક કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાર્ષિક શિખર દરમિયાન જાપાનના વડા પ્રધાન શિંજો આબેને મળશે. તેમની સાથેની મુલાકાત દરમિયાન અણુ સહિત ૧૨ કરાર થવાની અપેક્ષા છે. આ કરારના પગલે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ બનશે. બિઝનેસ લીડર્સ સાથેની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું ગુજરાતમાં મુખ્યપ્રધાન હતો ત્યારથી આ બિઝનેસ નેતાઓને મળી રહ્યો છું.

ભારતમાં હવે બિઝનેસ માહોલનું નિર્માણ થયું છે અને જાપાન તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમારી ચિંતાઓનું સક્રિયતા સાથે સમાધાન કરવામાં આવશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે મારો સંકલ્પ આ દુનિયામાં સૌથી ખુલ્લા અર્થતંત્રનું નિર્માણ કરવાનો છે. હું ખાતરી આપું છું કે અમે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે કટિબદ્ધ છીએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે પીએમ નરેન્દ્ર મોદીની જાપાનના સમ્રાટની મુલાકાત અંગે ટ્વિટ કરતાં જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના મહામહિમ સમ્રાટ અકી‌િહતોનું અભિવાદન કર્યું હતું. તેમણે એક અન્ય ટ્વિટમાં જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની સમ્રાટ અકી‌િહતો ભારત અને જાપાન વચ્ચેના હૂંફાળા સંબંધોના પ્રતીકરૂપ છે.

જાપાનના પીએમ આબે મોદીને ૫૩૦ કિ.મી.ની ટ્રેન યાત્રા કરાવશે
પીએમ મોદી આજે જાપાનના વડા પ્રધાન શિંજો આબેને મળશે. બંને એકલા વાતચીત કરવા માટે જાપાનની હાઈસ્પીડ ટ્રેન શીંકસેનમાં બેસીને ટોકિયોથી કોબે સુધી જશે. આ ૫૩૦ કિ.મી.ની સફર દરમિયાન બંને દેશના વડા પ્રધાનો એકલા જ હશે. બંને વચ્ચે આ સફર દરમિયાન દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે. તેમની આ યાત્રા ત્રણ કલાકની હશે.

જાપાની અધિકારીઓએ જણાવ્યું હતું કે શિંજોએ જ આ યાત્રા અંગે ઉલ્લેખ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શિંજો આબે જ્યારે ભારત આવ્યા હતા ત્યારે તેઓ અને મોદી વિમાન દ્વારા વારાણસી ગયા હતા. આ મુલાકાત ૨૦૧૫ના ડિસેમ્બરમાં થઈ હતી. જાપાની અધિકારીએ જણાવ્યું હતું કે શિંજો પીએમ મોદીને કોબેમાં કાવા‌િસકીનો મોટો પ્લાન્ટ બતાવશે. આ પ્લાન્ટમાં હાઈસ્પીડ બનાવવામાં આવે છે. પીએમ મોદીને હાઈસ્પીડ પ્રોજેક્ટમાં રસ અને તેથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

You might also like