મોદીએ યુવા પ્લેયર્સને પૂછ્યું, હાર્યા પછી શું કરશો?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રિલાયન્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્કુલની ફુટબોલ ટીમના ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓ ઘણાં મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ બાળકોનું ઇન્ટરવ્યું પણ લીધું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુવા ખેલાડીઓને એક સવાલ સૌથી વધુ કર્યો હતો અને તે એમ હતો કે, “હાર્યા પછી શું કરશો?”

વીડિયો કોન્ફરન્સ દરમિયાન અલગ અલગ પ્રદેશોની ટીમો સાથે વાતચીત દરમિયાન તેમણે ગુવહાટીના બે ખેલાડીઓને અલગ પ્રકારનો જ સવાલ કર્યો હતો જેમાં પૂછ્યું કે, “શું તમને જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે?” જેના જવાબમાં બાળકોએ ‘હા’ પાડી હતી. જે પછી મોદી સવાલ કર્યો કે, “જે હારી જશે તે શું કરશે? જીતનાર શું ઉંઘી જશે?” જેના જવાબમાં ખેલાડીઓએ જવાબ આપ્યો, ‘ના સર વધુ પ્રયત્ન કરીશું.!’

આ સાથે જ મુંબઇની ગર્લ્સ ટીમના બે ખેલાડીઓને મોદીએ તેમની તૈયારી અંગે સવાલ કર્યો. તેમજ તેમના સપના અંગે અને સૌથી લોકપ્રિય ખેલાડી અંગે પણ સવાલ કર્યો હતો. જેના જવામાં છોકરીઓએ પોતાનો સૌથી પ્રિય ખેલાડી ‘મેસી’ કહ્યો હતો.

જે પછી વડાપ્રધાન મોદીએ દિલ્હી ટીમના બે ખેલાડીઓને સવાલ કર્યો કે, આજે સાંજે જીત્યા પછી શું કરશો? જવાબ મળ્યો પાર્ટી કરીશું. જેના પછી મોદીએ પૂછ્યું કે, જે હારી ગયા તેમને પાર્ટીમાં બોલાવશો? મોદીના આ સવાલ પર ખેલાડીઓ હસવા લાગ્યા હતા.

PM મોદીએ આ દરમિયાન યુવા ખેલાડીઓને સંબોધન આપતાં કહ્યું કે, તેઓએ ખેલને પોતાના જીવનનો એક ભાગ બનાવવો જોઇએ. તેના વગર જીવનનો વિકાસ થઇ શકતો નથી. તેમણે કહ્યું કે, કેટલાક લોકો એવું વિચારે છે કે, શારીરિક સ્વાસ્થ્ય માટે રમત જરૂરી છે પરંતુ તે મર્યાદિત વિચાર છે. વાસ્તવમાં વ્યક્તિત્વના વિકાસ માટે જીવનમાં રમતનું ખાસ મહત્વ છે.

તેમજ મોદીએ બાળકોને હારથી નિરાશ ન થવાની શીખ આપી હતી. તેમણે કહ્યું કે, હારને હંમેશા એક અવસર સ્વરૂપે જુઓ. હારથી તકલીફમાં આવવાની જરૂર નથી. હાર પણ તેને જ મળે છે જે ખેલમાં ભાગ લે છે. તેનો જ વિકાસ થાય છે જે રમે છે. ખેલ ખીલવા માટે સૌથી મોટું ઔષધ અને અવસર છે.

You might also like