વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાલથી બે દિવસ ગુજરાતમાં, ચોટીલા-દ્વારકાની લેશે મુલાકાત

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આ માસમાં ગમે ત્યારે થઇ શકે છે. આ સંકેતોના પગલે ભાજપ દ્વારા શરૂ થયેલી ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભાજપના સાત લાખ પેજ પ્રમુખોનું ઐતિહાસિક સંમેલન યોજાશે, તેના માટે આ જ મહિનામાં ફરી એક વાર નરેન્દ્ર મોદી ત્રીજા સપ્તાહે રાજ્યની મુલાકાતે આવશે.

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં કરેલાં દ્વારકાધીશનાં દર્શન બાદ પીએમ નરેન્દ્ર મોદી ૭ ઓકટોબરે સૌરાષ્ટ્ર અને ઉ. ગુજરાત તથા મધ્ય ગુજરાતને આવરી લેતા બે દિવસના ભરચક કાર્યક્રમમાં હાજરી આપશે. ૭મીએ સવારે ૧૦ કલાકે તેઓ દિલ્હીથી સીધા જામનગર જશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં દ્વારકાધીશનાં દર્શન કરશે. ત્યારબાદ તેઓ દ્વારકા ખાતે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ફોર લેન કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. અત્યારે વર્ષમાં હોડી દ્વારા બેટ દ્વારકા સુધી જતા વીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓને બ્રિજ દ્વારા જવા મળશે, જેનો ખર્ચ ૯૬ર કરોડ અને લંબાઇ ૩.૭૩ કિ.મી. હશે.

બપોરે બે વાગ્યે તેઓ ચોટીલા પહોંચશે અને જાહેર સભાને પણ સંબોધશે. ત્યારબાદ રાજકોટના નવા એરપોર્ટનું ભૂમિપૂજન કરીને ગાંધીનગર આવશે, જ્યાં આઇઆઇટીના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપીને તેઓ રાજભવન ખાતે રા‌િત્રરોકાણ કરશે. ૮મીએ તેઓ તેમના વતન વડનગર જશે અને વડનગર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. બપોરે તેઓ ભરૂચ જશે અને રૂ.૪પ૦૦ કરોડના ખર્ચે બનનારા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત દહેજના ભાડભૂત ખાતે કોઝવે વિયરનું પણ ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ સાંજે વડોદરા આવશે અને ત્યાંથી સીધા દિલ્હી જવા રવાના થશે.

You might also like