મોદીના ગુજરાત પ્રવાસની પેટર્નઃ ચૂંટણી વહેલી આવશે!

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે એટલે તેઓ ગુજરાત આવે તેમાં કોઇ મોટી વાત નથી. કેન્દ્રમાં તેમનાં અઢી વર્ષના શાસનમાં તેઓએ ગુજરાત આવવાનું ટાળ્યું હતું પણ થોડા મહિનાઓથી ગુજરાતના પ્રવાસોમાં સતત વધારો થયો છે અને આ પ્રવાસો પણ જાણે ગુજરાતમાં તેઓ ચૂંટણીપ્રચાર માટે જ આવતા હોય તેવી રીતે આયોજિત થઇ રહ્યા છે. ભાજપના જ એક ઉચ્ચ નેતાના જણાવ્યા પ્રમાણે મોદીના ગુજરાત પ્રવાસની પેટર્ન ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી રહી હોવાના અણસાર આપી રહી છે. મોદી સૌપ્રથમ વાર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સૌની યોજના માટે આવ્યા હતા. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં અને  પછી મધ્ય ગુજરાતમાં આવ્યા. હવે ૧૦મી ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં આવી રહ્યા છે એટલે સમગ્ર ગુજરાતનો પ્રવાસ વડા પ્રધાન દ્વારા પૂર્ણ થશે.

ઉપરાંત ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં પણ વડા પ્રધાનના ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળે છે. આ તમામ પ્રવાસોની વિશેષતા એ રહી છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જાહેરસભાઓનું પણ આયોજન કરાયું, જેમાં આજુબાજુના વિધાનસભા મતવિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જનમેદની પણ ભેગી કરવામાં આવી. એટલે જ રાજકીય પંડિતો મોદીની ગુજરાત મુલાકાતની પેટર્ન જોઇને ગુજરાતમાં વહેલી ચૂંટણી આવવાનાં એંધાણ માની રહ્યા છે. આમ પણ મોદી ૯થી ૧૧ જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતમાં જ રહેવાના છે.

કાળાં નાણાંનો કુબેર આકાઓનાં નામ જાહેર કરશે
ગુજરાતના ઇતિહાસમાં આર્થિક ગુનાઓ વખતોવખત નોંધાતા રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાતીઓની છાપ વેપાર-ધંધાની હોવાને કારણે પણ અહીં આર્થિક ગુનાઓનું પ્રમાણ વધારે રહ્યું છે. મહેશ શાહે જાહેર કરેલાં રૂ.૧૩૮૦૦ કરોડથી વધુનાં કાળાં નાણાંએ દેશના આર્થિક તંત્રની પોલ પણ ખોલી નાખી છે. મહેશ શાહની ઇન્કમટેક્સ અધિકારીઓએ  પૂછપરછ કરી તેમાં સ્પષ્ટ થયું છે કે માત્ર રૂ.૩ લાખનું રિટર્ન ફાઇલ કરનારે રૂ.૧૩ હજાર કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું.

મહેશ શાહના જણાવ્યા પ્રમાણે પોતે મોટા રાજકીય નેતાઓ અને બિલ્ડરોનાં કાળાં નાણાંને સફેદ કરવા માટે બે ટકા કમિશનને કારણે આ જાહેરાત કરી હતી.ત્યારે સવાલ એ ઊભો થાય છે કે મહેશ શાહના આકાઓ કોણ છે? સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ મહેશ શાહ રાજ્ય સરકારમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સીધો સંપર્ક ધરાવતી વ્યક્તિ રહી છે. રાજનેતાઓ સાથેના તેના સંપર્ક પણ ધીમેધીમે જાહેર થઇ રહ્યા છે. કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળમાં તોસાખાનામાં આવેલી ભેટ-સોગાદોની જાહેર હરાજીમાં પણ મહેશ શાહની ભૂમિકા રહી છે. એથી એટલું ચોક્કસ છે કે તેનું જોડાણ ગુજરાતના ટોચના નેતાઓ સાથે હશે.

સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ શાહએ પોતાના આકાઓનાં નામોની યાદી ઇન્કમટેક્સ વિભાગને આપી છે. જેમાં કમિશન માટે મધ્યસ્થી એક જૈન મુનિ દ્વારા કરવામાં આવી હોવાની વાત બહાર આવી છે. આ જૈન મુનિના જ વિશ્વાસ પર શાહએ સમગ્ર દાવ ખેલ્યો હતો. આખરે પીએમઓ સુધી વાત પહોંચતા જે લોકોનું કાળું નાણું જાહેર કરવાનું હતું તે લોકોએ હાથ ખંખેરી નાખ્યા. હવે ઇન્કમટેક્સ વિભાગ ક્યારેય મહેશ શાહના આકાઓનાં નામ જાહેર નહીં કરે અને તેને એક નાટકબાજ ગણાવી સમગ્ર ઘટના પર
પૂર્ણવિરામ મૂકે તો નવાઇ નહીં.

શું મંત્રીઓ ટ્યૂશન કલાસમાં ભણવા જશે?
ગુજરાતમાં ૧૦થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરાયું છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. અત્યારે રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત પહેલાં પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત કરી રહી છે. જે અંતર્ગત મહાત્મા મંદિરમાં અનેક સેમિનારોનું આયોજન થઇ રહ્યું છે. આ સેમિનારોમાં સરકારના મંત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના મંત્રીઓ આવા સેમિનારોમાં દેશ-વિદેશથી ઉદ્યોગકારો અને પ્રતિનિધિમંડળ આવ્યું હોવાથી ફરજિયાત હિન્દી ભાષામાં
પોતાનું પ્રવચન આપે છે. મંત્રીઓને હિન્દી બોલવાની ઓછી પ્રેક્ટિસ હોવાને લીધે તેઓ ગુજરાતી મિક્સ હિન્દી બોલી રહ્યા છે. જેથી ઘણી વાર પ્રવચનમાં સમગ્ર હૉલમાં હાસ્યનું મોજું ફરી વળે છે.

રાજ્યના એક ઉચ્ચ અધિકારીએ કૉમેન્ટ કરતાં કહ્યું કે મંત્રીઓએ હિન્દી ભાષાના ટ્યૂશન ક્લાસ કરવા જોઇએ અથવા પ્રવચનનો મોહ છોડી દેવો જોઇએ, નહીં તો વાઇબ્રન્ટ ગુજરાત પૂરું થતાં સુધીમાં દેશ-વિદેશના મહેમાનો સમક્ષ ગુજરાતની ભારે ફજેતી થશે. બીજા એક ઉચ્ચ અધિકારીએ આત્મવ્યથા ઠાલવતાં કહ્યંુ કે, “મેં મારા વિભાગના મંત્રીને સલાહ આપી હતી કે તમે ગુજરાતી ભાષામાં જ પ્રવચન કરો અને પોતાને માતૃભાષા પ્રત્યેનો પ્રેમ હોવાથી ગુજરાતીમાં પ્રવચન કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કરજો, પરંતુ પણ સાહેબ માને ખરા!
http://sambhaavnews.com/

You might also like