શાંતિની જ્યોત લઈ ફરી રહેલા મોદીનું ગુજરાત ભડકે બળી રહ્યું છેઃ શિવસેના

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ શિવસેનાએ ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને લઈને સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં લખ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક શાંતિની જ્યોત લઈને સમગ્ર દુનિયામાં ભ્રમણ કરી રહ્યા છે, પરંતુ તેમનું પોતાનું જ ગુજરાત સળગી રહ્યું છે.

વિશ્વના તમામ દેશનાં રાષ્ટ્રોના વડાઓ સાથે હસ્તધુનન કરતા અથવા આલિંગન આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પ્રસિદ્ધ થઈ છે તો બીજી બાજુ તેમનું જ ગુજરાત ભડકે બળી રહ્યું છે. શિવસેનાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મહેસાણા સૌથી વધુ સળગી રહ્યું છે અને ત્યાં ઈન્ટરનેટ વગેરે બંધ કરીને પોલીસે આપખુદી શરૂ કરી દીધી છે. હિન્દુસ્તાની પ્રજાના મનમાં કેવી આગ સળગી રહી છે તેની તસવીર ગુજરાતમાં જોવા મળી રહી છે, જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે.

આનંદીબહેન સામે પણ નિશાન
શિવસેનાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક ક્ષિતિજ પર શાંતિદૂત તરીકે ચમકી રહ્યા છે, પરંતુ જે ગુજરાતથી તેમનું નેતૃત્વ આગળ આવ્યું છે ત્યાં અસંતોષની આગ ભભૂકી રહી છે, જોકે શિવસેનાએ આ આગ બુઝાવવાની જવાબદારી મોદીની નથી, પરંતુ તેમની પાદુકા લઈને ખુરશી પર બેઠેલા શાસકોની છે તેવું જણાવીને શિવસેનાએ મોદીને થોડી રાહત પણ આપી હતી.

You might also like