નાણાપ્રધાન ભાજપની મતબેંક પર કેમ કુઠારાઘાત કરી રહ્યા છે?

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારને નાણાપ્રધાન અરુણ જેટલીની વિદ્વત્તા મોંઘી પડી રહી છે. જેટલી એકેડેમિશયન પ્રકારના રાજકારણી છે. તેઓ ‘માસ લીડર’ કે  આમજનતાના નેતા નથી. અને એટલે મોદી સરકારના નાણાપ્રધાન તરીકે તેઓ જે આર્થિક પ્રયોગો કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત મતબેંકના ધોવાણનું કામ કરે છે. વડા પ્રધાનનું ધ્યાન એ દિશામાં ગયું છે કે કેમ એ આપણે જાણતા નથી, પરંતુ તાજેતરના દિવસોમાં નાણાપ્રધાનને તેમના બે નિર્ણયોમાં વ્યાપક વિરોધને પગલે પીછેહઠ કરવી પડી છે અને વધુ એક અંદાજપત્રીય દરખાસ્તમાં પીછેહઠ કરવાની તૈયારી ચાલી રહી છે. એક પ્રકારે વડા પ્રધાન આર્થિક પગલાંઓ દ્વારા વ્યાપક જનસમુદાય સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ નાણાપ્રધાન તેમના જોખમી પ્રયોગો દ્વારા મધ્યમ વર્ગને સરકારથી વિમુખ કરી રહ્યા છે.

આખરે દેશની કે સરકારની આર્થિક હાલત એવી તો નથી જ કે સરકારે મધ્યમ વર્ગની મહેનતની કમાણી પર સરકારી તિજોરી ભરવા માટે નજર નાખવી પડે. મામલો કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડનો છે. પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડવા અંગે સરકારે તાજેતરમાં જાહેર કરેલાં નિયંત્રણો સામે ઉગ્ર વિરોધ થતાં સરકારને એ નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે. સરકારે એવું જાહેર કર્યું હતું કે પ્રોવિડન્ટ ફંડની પૂરી રકમ કર્મચારી ૫૮ વર્ષ પૂરાં કરે ત્યારે જ ઉપાડી શકશે. તમામ કર્મચારી સંગઠનોએ તેનો એકસ્વરે વિરોધ કર્યો એટલે સરકારે તેમાં છૂટછાટ આપી. કર્મચારી સંગઠનો તેનાથી સંતુષ્ટ ન હતાં. એ પછી  બેંગલુરુમાં બનેલી હિંસક ઘટનાને પગલે સરકારે તેના નિર્ણયને સંપૂર્ણપણે પાછો ખેંચી લીધો છે. કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડનો મુદ્દો અત્યંત સંવેદનશીલ હોય છે એ વાત સત્તા પર આવ્યાનાં બે વર્ષમાં જ ભાજપના મોવડીઓ ભૂલી જાય એ વિચિત્ર લાગે છે.

મધ્યમવર્ગના કર્મચારીઓની એ જ એક જીવનભરની મૂડી હોય છે અને તેના આધારે તેઓ ઘરનું ઘર કે સંતાનોના અભ્યાસ અથવા લગ્ન જેવા મહત્ત્વના પારિવારિક પ્રસંગો અને જવાબદારીઓનું વહન કરતા હોય છે. નિવૃત્તિ કાળમાં આ જ રકમ તેમના જીવનનો આધાર હોય છે. એટલે સરકાર એ રકમ સાથે છેડછાડ કરે તેઓ હરગિજ સહન કરવા તૈયાર ન થાય. આ અગાઉ સરકારે પ્રોવિડન્ટ ફંડનાં નાણાં ઉપાડતી વખતે તેના પર ટેક્સ વસૂલવાનો નિર્ણય જાહેર કર્યો હતો. એ નિર્ણયનો પણ વ્યાપક વિરોધ થયો ત્યારે સરકારે એમાં પીછેહઠ કરી. આખરે સરકારની નજર કર્મચારીઓનાં આ નાણાં પર શા માટે લાગેલી રહે છે? અગાઉ સરકારે પીએફના ભંડોળને શેરબજારમાં લગાવવાનું વિચાર્યું હતું.

શેરબજાર જેવા સાવ અનિશ્ચિત અને સટ્ટાકીય બજારમાં કર્મચારીઓના પસીનાની કમાણીને રોકવાનું જોખમ લઈ શકાય નહીં. આવી સામાન્ય સમજ પણ સરકારે બીજા પાસેથી લેવી પડે એ વિચિત્ર લાગે છે. સરકારે નાની બચતમાં વ્યાજદરનો ઘટાડો કર્યો છે એ પણ મધ્યમવર્ગ માટે નુકસાનકારક છે, મોટા કારોબારીઓને ખુલ્લેઆમ બેંક લૂંટની છૂટ મળી હોય એ રીતે અપાતાં ધિરાણ અને પછી તેને માંડવાળ કરવાની મનોવૃત્તિ સામે લોકોની બચતના વ્યાજદર ઘટાડવામાં આવે ત્યારે લોકોનો સંશય દૃઢ બનતો હોય છે. બચતના વ્યાજદરોમાં ઘટાડો કરતી વખતે બેંકોની વિશ્વસનીયતામાં વધારો થાય એવી સ્થિતિનું નિર્માણ પણ જરૂરી બને છે.

સુવર્ણ જ્વેલર્સના વ્યવસાય પર એક્સાઈઝ ડ્યૂટી લાદવાના સરકારના પગલાંને પણ મધ્યમ કક્ષાના વેપારી વર્ગ પરના બિનજરૂરી આર્થિક બોજ રૂપે જોવામાં આવે છે. આ વેપારી વર્ગ પણ ભાજપનો પરંપરાગત મતદાર વર્ગ રહ્યો છે. તેના પર કુઠારાઘાત કરવાનું કેમ પસંદ કરાયું એ  સમજવું મુશ્કેલ છે. યુપીએ સરકારે આવું પગલું લીધું હોત તો ભાજપે જ તેના વિરોધનું નેતૃત્વ કર્યું હોત. આજે ભાજપ શું કરી રહ્યો છે એ વેપારી વર્ગની સમજ બહારનું છે. જોકે હવે સરકારે આ બાબતમાં એક સમિતિ રચી છે. તેના અહેવાલ પછી સરકારે તેમાં પણ પીછેહઠની તૈયારી કરી રાખી હોય તેમ લાગે છે. આવી જ એક હિલચાલ સંપન્ન ખેડૂતો પર કરવેરા લાદવાની થઈ રહી છે. તેનું પણ ખોટું અર્થઘટન અને અપપ્રચાર થશે તો સરકારે કૃષિલક્ષી બજેટ દ્વારા ખેડૂતોના કલ્યાણની કરેલી સમગ્ર કવાયત વ્યર્થ જવાની શક્યતા છે.

You might also like