બાબાસાહેબ કમાલના દૂરંદેશી હતાઃ પીએમ મોદીની અંજલિ

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ-૨૦૧૬નું ઉદ્ઘાટન કરતા ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે બાબાસાહેબ કમાલના દૂરંદેશી હતા. દરમિયાન, નરેન્દ્ર મોદી આજે બાબાસાહેબ આંબેડકર જન્મજયંતી નિમિત્તે બાબાસાહેબના જન્મસ્થળ ઈન્દોરના મહુમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે મોદી દેશવ્યાપી ગ્રામોદયથી ભારત ઉદય અભિયાનનો આરંભ કરી મોટી જાહેરાત કરશે. રાજ્ય સરકારે આ અંગેની તમામ તૈયારીઓ સંપન્ન કરી લીધી છે. આજે દેશભરનાં અનેક સ્થળોએ આંબેડકરજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.

મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે વડા પ્રધાન મોદી આજે સવારે ૧૧-૪૫ કલાકે મુંબઈ અેરપોર્ટ પરથી વાયુસેનાના ખાસ વિમાન દ્વારા ઈન્દોર જવા રવાના થશે. મોદી ૧૨-૫૫ કલાકે ઈન્દોર પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા મહુ જવા રવાના થશે. બાદમાં તેઓ ૧-૩૦ થી ૨-૩૦ સુધી આંબેડકર સ્મારકમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે.જેમાં વડા પ્રધાન મોદીના સંબોધનને તમામ ગ્રામજનો સાંભળી શકે તે માટે પંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મોદી જે ધ્વજ સોંપશે તે રાજ્યની તમામ ગ્રામ પંચાયત સુધી પહોંચશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ અભિયાન ગામડાંઓની સમસ્યાના ઉકેલ માટે મદદરૂપ બની રહેશે.

આ અભિયાનમાં સામાજિક સમરસતાના કાર્યક્રમ ઉપરાંત ગ્રામ, કિસાન સભા યોજાશે, જેમાં અધિકારી પણ ગામડાંઓમાં જશે અને ગામડાની સમસ્યા હલ કરશે. આ અભિયાન દેશભરમાં ૧૪ થી ૨૪ અેપ્રિલ સુધી ચાલશે, પરંતુ રાજ્યમાં આ અભિયાન ૩૧ મે સુધી ચાલશે. આ ઉપરાંત પીએમ મોદી બાબાસાહેબની જયંતીઅે કિસાનોને ઓનલાઈન પાક વેચવાની સુવિધા પૂરી પાડશે.

You might also like