દહેરાદૂનમાં આજે PM મોદી ત્રણેય સેનાના પ્રમુખને મળશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દહેરાદૂનમાં ત્રણેય સેનાના પ્રમુખને મળશે, જેમાં મોદી દેશની વર્તમાન સુરક્ષાની  સ્થિતિ અંગે ચર્ચા કરશે. સાથોસાથ મોદી સમક્ષ સશસ્ત્ર દળો વચ્ચે તાલમેલ જળવાઈ શકે તે માટે જવાબદાર અધિકારીની નવી જગ્યા ઊભી કરવા અંગે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

આજે દહેરાદૂનમાં કમાન્ડરોની સંયુક્ત કોન્ફરન્સ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોન્ફરન્સમાં ત્રણેય સેનાના કમાન્ડર રેન્કના તમામ અધિકારીઓને સંરક્ષણ પ્રધાનની હાજરીમાં વડા પ્રધાન મોદી સંબોધશે, જ્યારે આ કોન્ફરન્સમાં નેવીના વડા સુનીલ લાંબા, સેનાના વડા બિપિન રાવત અને વાયુસેનાના વડા બી. એસ. ધનોવા પહેલી વાર જ હાજરી આપશે. આ કોન્ફરન્સ આમ તો સામાન્ય રીતે દિલ્હીમાં જ યોજાતી હોય છે, પરંતુ છેલ્લી વખત કોચીમાં આઈએનએસ વિક્રમાદિત્ય ખાતે મળી હતી, પરંતુ આ વખતે દહેરાદૂનની પસંદગી કરવા સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે ઉત્તરાખંડમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે સંરક્ષણ મંત્રાલયનાં વડા પ્રધાનના ભાષણનું ટીવી પ્રસારણ કરવામાં આવતું નથી.

બીજી તરફ રજા પરથી પરત ફરેલા પૂર્વ કમાનના પ્રમુખ જનરલ લેફ. પ્રવીણ બક્ષી પણ આ કોન્ફરન્સમાં સામેલ થશે. તેઓ સેનાના સૌથી સિનિયર હોવા છતાં તેમને સેનાના વડા નહિ બનાવાતાં તેઓ રજા પર ઊતરી ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like