મોદી આજે આસામમાં પાંચ રેલી સંબોધી ચૂંટણી શંખ ફૂંકશે

ગુવાહાટી: આસામમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર પહોંચ્યો છે. જેને લઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી આસામના બે દિવસની મુલાકાતે છે. મોદી બે દિવસમાં પાંચ રેલીઓને સંબોધી આસામ વિધાનસભા ચૂંટણી પ્રચારનો શંખ ફૂંકશે.
આસામ વિધાનસભાની ૧ર૬ બેઠક માટેની ચૂંટણી બે રાઉન્ડમાં યોજાશે. ચોથીએ પ્રથમ રાઉન્ડ પછી ૧૧મીએ બીજા રાઉન્ડમાં મતદાન થશે. ભાજપ ૯૧ બેઠક પરથી ચૂં્ટણી લડી રહી છે. જ્યારે તેની સાથે જોડાયેલ પક્ષમાંથી આસામ ગણ પરિષદ ર૪ બેઠક અને બાકીની ૧૧ બેઠક પરથી બોડો પીપલ્સ ફ્રન્ટ અને બે અન્ય નાની પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે. ભાજપે કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનાવાલાને આસામના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે, જે માજુલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

મોદી શનિવારે ચાર ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. જેમાં સવારે ૧૦-૩૦ કલાકે તીનસુખિયામાં પહેલી ચૂંટણી સભા યોજશે. બીજી સભા બપોરે ૧ર-૩૦ કલાકે સર્વાનંદ સોનાવાલાની સાથે તેમની બેઠક માજુલીમાં સંબોધશે. બપોરે ર-૦૦ કલાકે બિહુરિયામાં અને આજની છેલ્લી ચૂંટણી સભા સાંજે ૬-૦૦ કલાકે જોરહાટમાં સંબોધશે. મોદી આજનાં રાત્રિ રોકાણ દરમિયાન ચાના બગીચામાં કરતા લોકોની મુલાકાત કરશે અને જોરહાટના કેટલાક બુદ્ધિજીવીઓને મળશે.

આસામ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે ગઇકાલે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. ગુવાહાટીમાં આ પ્રસંગે નાણામંત્રી જેટલીએ કહ્યું કે આ દસ્તાવેજ હકીકતમાં આસામના વિકાસનો રોડમેપ છે.

You might also like