મોદીએ અફઘાનિસ્તાનમાં ‘અટલ સંસદ’ ભવનનું ઉદ્ઘાટન કર્યું

કાબુલ: રશિયાની બે દિવસની યાત્રા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનના એક દિવસના પ્રવાસ માટે કાબુલ પહોંચી ગયા છે. આજે સવારે મોદી જ્યારે કાબુલ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અફઘાનિસ્તાનના નવનિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ બિલ્ડિંગનું નિર્માણ ભારતની મદદથી જ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ઉદ્ઘાટન કરીને આ ઇમારતનું નામ ‘અટલ સંસદ’ આપ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અફઘાનિસ્તાન સંસદની સંયુકત બેઠકને પણ સંબોધન કરશે. અફઘાનની સંસદનું નિર્માણકાર્ય ર૦૦૭માં શરૂ થયું હતું. આ ઇમારતને ભારત તરફથી અફઘાનિસ્તાનમાં લોકતંત્રની પ્રતિકાત્મક ભેટ તરીકે ગણાવવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે હું કાબુલમાં મારા મિત્રો વચ્ચે પહોંચી ગયો છું. મેં રાષ્ટ્રપતિ અશરફ ગની, સીઇઓ અબ્દુલ્લા અબ્દુલ્લા અને પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજાઇ સાથે મુલાકાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ જણાવ્યું છે કે આજે હું અફઘાનિસ્તાનના સંસદ ભવનની નવી ‌ઇમારતનું પણ ઉદ્ઘાટન કરીશ. નવું સંસદ ભવન વર્તમાન ઇમારત કરતાં પાંચ ગણું મોટું છે તે ૪૦.૬ એકરમાં પથરાયેલું છે. ભારતે આ પ્રોજેકટ માટે રૂ.૭૧૦ કરોડ આપ્યા હતા. આ ઇમારતને ચાર વિભાગમાં વહેંચવામાં આવી છે. ઇમારત ઉપર ૩ર ‌મીટર ડાયામીટર ધરાવતો ગુંબજ બનાવવામાં આવ્યો છે.

You might also like