બેલ્જિયમના સાંસદોને મળ્યા PM મોદી, બંને દેશો વચ્ચે થઇ શકે છે મોટા કરાર

બ્રસેલ્સ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દેશોના ત્રિદિવસીય પ્રવાસનાં પ્રથમ ચરણમાં આજે બ્રસેલ્સ પહોંચી ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બ્રસેલ્સ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મોદી બ્રસેલ્સમાં ૧૩મા ભારતીય-યુરોપિયન શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાને અહી યૂરોપિયન યૂનિયનની બેઠક દરમિયાન બેલ્જિયમ અને યૂરોપના સાંસદો સાથે મુલાકાત કરી. તેમણે તેમની સાથે વાતચીત પણ કરી હતી.

બ્રસેલ્સ જવા રવાના થતાં પહેલાં પીએમ મોદીએ ત્યાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને બેલ્જિયમનાં લોકોનાં ખમીર અને લાગણીને બિરદાવતાં જણાવ્યું હતું કે બેલ્જિયમના લોકોને આ માટે નમન કરવા મારી પાસે પૂરતા શબ્દો નથી. બ્રસેલ્સમાં થયેલા હુમલા બાદ આપણે તેમની સાથે ખભેખભા મિલાવીને અડીખમ ઊભા છીએ. મોદીએ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યકત કરી હતી.

મોદી બ્રસેલ્સમાં બેલ્જિયમના વડા પ્રધાન ચાર્લ્સ મિશેલ સાથે દ્વિપક્ષીય શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. ભારત-યુરોપિયન સંઘ શિખર સંમેલનનો હેતુ બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી વધુ સુદૃઢ કરવાનો છે. બંને દેશો મુકત વેપાર સમજૂતીને આખરી ઓપ આપવાના ઉપાય પર પણ વિચાર વિમર્શ કરશે.

બેલ્જિયમ ખાતે ભારતના રાજદૂત મંજીવસિંહ પુરીએ જણાવ્યું હતું કે પીએમ મોદીનો આ પ્રવાસ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. તેમના પ્રવાસના પગલે બેલ્જિયમ સાથેના આર્થિક સંબંધો વધુ મજબૂત થશે. મોદીના પ્રવાસ દરમિયાન મુત્સદ્દીગીરી, રાજનીતિ અને આતંકવાદ સામે લડાઇ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશેે.

બ્રસેલ્સ ખાતે વડા પ્રધાન મોદી હીરાના વેપારીઓના એક પ્રતિનિધિ મંડળ સહિત ટોચના વેપારીઓ અને ભારતીયોને પણ સંબોધન કરશે. મોદી ભારતીયોનાં એક પ્રતિનિધિમંડળ અને સાંસદો સાથે અલગ અલગ મુલાકાત કરશે. બે‌લ્જિયમનું એન્ટવર્પ શહેર હીરાના વેપાર માટે સૌથી મોટું વૈશ્વિક કેન્દ્ર છે. આ શહેરમાં ભારતીય વેપારીઓની સંખ્યા ઘણી મોટી છે.

You might also like