નરેન્દ્ર મોદી સામે અર્જુન મોઢવાડિયાએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી

લોકસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાની કુલ ૯૧ બેઠક માટે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાઇ રહ્યું છે. કુલ સાત તબક્કામાં મતદાન યોજાવાનું હોઇ ગરમીની સાથે-સાથે ચૂંટણી માહોલની ગરમી તેમજ ઉત્તેજનામાં વધારો થતો જાય છે.

નિતનવા આક્ષેપ અને પ્રતિઆક્ષેપ અને વિવાદો ઊઠી રહ્યા હોઇ પ્રદેશ કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફર્સ્ટ વોટરને કરાયેલી અપીલના મામલે ચૂંટણી આચારસંહિતા ભંગની કેન્દ્રીય ચૂંટણીપંચને ગઇ કાલે ફરિયાદ કરતાં આ બાબત રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બની છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તા.૯ એપ્રિલે મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી સભાને સંબોધતાં ફર્સ્ટ વોટરને અપીલ કરતાં જણાવ્યું હતું કે શું આપનો પહેલો વોટ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરનારા જવાનોને સમર્પિત થઇ શકે છે? શું આપનો પહેલો વોટ પુલવામાં જે વીર શહીદ થયા છે તે વીર શહીદોનાં નામ પર સમર્પિત થઇ શકે છે?

અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ભંગ તરીકે આ અપીલને ગણાવીને તે અંગે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મોઢવાડિયાએ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ વડા પ્રધાન મોદી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચૂંટણીપંચ સમક્ષ માગણી કરી છે.

દરમિયાન આજે મોઢવાડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન અને ભાજપે ૨૦૧૪માં પાકિસ્તાનના નામનો ઉપયોગ કર્યો હતો અને હવે ફરીથી વડા પ્રધાને પાકિસ્તાનના નામે વોટ માગ્યા છે.

You might also like