ભારત દુનિયાની કૃપાદ્રષ્ટિ નહીં પરંતુ બરાબરી ઇચ્છે છેઃ મોદી

લંડન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક વેમ્બલી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેલા ૬૦૦૦૦થી વધારે ભારતીય બ્રિટીશ લોકોને સંબોધન કરતા આજે કહ્યુ હતુ કે ભારતમાં આગામી ૧૦૦૦ દિવસના ગાળામાં કુલ ૧૮૦૦૦ ગામોને તેઓ વીજળીની સુવિધા આપવા માટે ઇચ્છુક છે. આ દિશામાં તેઓ પહેલ કરી ચુક્યા છે.

લોકોને મૂળભૂત સુવિધા આપવા માટે તેમની સરકાર પગલા લઇ ચુકી છે. મોદીએ પોતાના અંદાજમાં કહ્યુ હતુ કે ભારત આજે દુનિયાની મહેરાબાની નહી બલ્કે બરોબરી ઇચ્છે છે. મોટી સંખ્યામાં ગુજરાતી લોકો અને ભારતીય બ્રિટીશ લોકોની હાજરીમાં મોદીએ કહ્યુ હતુ કે ભારતે દુનિયાના દેશોને તેમની તાકાતનો પરચો હવે બતાવી ચુક્ય છે.

ભારત આજે કોઇ દેશની કૃપા દ્રષ્ટિ નહી બલ્કે બરોબરી ઇચ્છે છે. તેમણે કહ્યુ હતુ કે છેલ્લા ૧૮ મહિનાથી એવા શુભ સંકેત આવવા લાગી ગયા છે કે ભારત સાથે જે દેશ પણ વાત કરે છે તે બરોબરીમાં વાત કરે છે. તેમણે દાવો કર્યો હતો કે દુનિયાના દરેક દેશ ભારત સાથે સંબંધ મજબુત કરવા અને સ્થાપિત કરવાની ઇચ્છા ધરાવે છે.

હવે દરેક દેશ ભારત સાથે વિન વિનની ફોર્મ્યુલા સાથે જોડાઇ જવા માટે તૈયાર છે. ખભાથી ખભા મિલાવીને દેશો ચાલવા માંગે છે. આનાથી ખુબ સારા સંકેત મળી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે ભારતે જે દિશા અને ગતિ પકડી લીધી છે તે હવે રોકાશે નહી. દુનિયા અને ભારતના લોકોને ટુંક સમયમાં ફળ પણ મળવા લાગી જશે. તેમણે કહ્યુ હતુ કે ૧૨ વર્ષ પહેલા તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બ્રિટન આવ્યા હતા. આજે વડાપ્રધાન તરીકે નવી અને મોટી જવાબદારી સાથે આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે દેશના લોકોએ જે જવાબદારી તેમને સોંપી છે તે જવાબદારી અદા કરવા માટે ભરપુર પ્રયાસ કરી રહ્યા છે.

સાથે સાથે દેશના લોકોને ખાતરી આપવા માંગે છે કે જે સપના તેમના દ્વારા જોવામાં આવ્યા છે જે ચોક્કસપણે પૂર્ણ થનાર છે. ભારત આ સપના પૂર્ણ કરવા માટે સમર્થ છે. ભારતમાં ગરીબીની વાત કરતા તેમણે કહ્યુ હતુ કે છેલ્લા ૧૮ મહિનાના પોતાના અનુભવના આધાર પર કહી શકે છે કે ભારતને હવે ગરીબ રહેવા માટેના કોઇ કારણ નથી.

અમે બિનજરૃરી રીતે ગરીબ રહેવા માંગી રહ્યા છીએ. ગરીબ રહેવામાં અમને મજા આવી રહી છે. મોદીએ ફરી એકવાર કહ્યું હતું કે સવા સો કરોડની વસ્તી ધરાવતા જે દેશમાં ૮૦ કરોડ લોકો ૩૫ વર્ષથી નીચેના હોય તે દેશમાં જવાની ભરપુર છે અને જે દેશ જવાનીથી ભરપુર છે તે હવે પાછળ રહી શકે નહી. તેની વિકાસ યાત્રા કોઇ પણ સંજોગોમાં રોકાઇ શકે નહી.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સ્વચ્છ ભારત અભિયાન, સ્કુલોમાં બાળકીઓ માટે અલગ શૌચાલય બનાવવા ઉપરાંત આગામી ૧૦૦૦ દિવસોમા દેશના ૧૮૦૦૦ ગામોમાં વીજળી આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રગતિની ગતિ એટલી ઝડપી છે કે ટુંક સમયમાં આના ફળ મળવા લાગી જશે. વિશ્વના દેશો ભારતને તકોથી ભરપુર દેશ તરીકે ગણે છે. મોદીએ આ સંબંધમાં ભારતમાં કારોબાર કરવાની સરળતાના પગલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વર્ષ ૨૦૧૯ સુધી તમામ ભારતીયોને વીજળી મળે તેવા આયોજન સાથે તેઓ આગળ વધી રહ્યા છે.

You might also like